ભારત-ઇંગ્લેન્ડની ટીમનું અમદાવાદમાં આગમન
(તમામ તસવીરોઃ જયેશ મોદી) અમદાવાદ, અમદાવાદમાં આવેલા વિશ્વના સૌથી મોટા સ્ટેડિયમ એવા મોટેરામાં ૨૪ ફેબ્રુઆરીએ રમાનારી ઇન્ડીયા-ઇંગ્લેન્ડની ટેસ્ટ મેચને લઈને તડામાર તૈયારીઓ ચાલુ છે ત્યારે બંને ટીમ આજે બપોરના ત્રણ વાગ્યે અમદાવાદ એરપોર્ટ પર આવી પહોંચી હતી. એરપોર્ટથી ટીમ આશ્રમ રોડ ખાતેની હયાત હોટલ ખાતે જવા રવાના થઈ હતી.
જે બસમાં બેસીને બંને ટીમ એરપોર્ટથી હોટેલ પહોંચી તે બસનું એરપોર્ટ પર જ ચેકિંગ કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ બંને ટીમ હયાત રેજન્સી પહોંચી હતી. જ્યાં ઢોલ નગારા વગાડીને બન્ને ટીમનું પરંપરાગત રીતે સ્વાગત કરવામાં આવ્યું હતું. પરિવારો સાથે હોટેલ હયાત પહોંચેલા ક્રિકેટરો બસમાંથી ઉતર્યા બાદ લાઇનમાં ઉભા રહ્યાં હતા. જ્યાં ટેમ્પરેચર ચેક કર્યા બાદ તમામને સેનેટાઇઝ કર્યા હતા.
ઇન્ડીયા અને ઇંગ્લેન્ડની ક્રિકેટ ટીમ એરપોર્ટ બહાર આવતા જ મોટી સંખ્યામાં ક્રિકેટ રસિયાઓ પણ અભિવાદન કરવા એરપોર્ટ બહાર ભેગા થયા હતા.જેવી ક્રિકેટરોની લક્ઝરી બસ બહાર આવી ત્યારે લોકોએ બૂમો પાડીને ક્રિકેટરોને વધાવ્યા હતા.આ અંગે એક ક્રિકેટ પ્રેમીએ ઉમેશે જણાવ્યું હતું કે ટીમ આવવાની છે તેવી જાણ થતાં જ તે એરપોર્ટ પર પોતાના ભાઈ અને અન્ય મિત્રો સાથે એરપોર્ટ આવ્યા હતા અને ટીમનું સ્વાગત કર્યું હતું.
બંને ટીમના આગમનને લઈને એરપોર્ટ પર કડક સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. ટીમના આગમનને લઈને એરપોર્ટના ગેટ પાસે બંને ટીમની લક્ઝરી બસ પણ પહોંચી હતી. બંને બસ એરપોર્ટ અંદર જઈને ત્યાંથી ખેલાડીઓને લઈને બસ હોટલ પર પહોંચી છે.
આ પહેલા લક્ઝરી બસનું એરપોર્ટ ગેટ બહાર સઘન ચેકિંગ કરવામાં આવ્યું હતું. બસની ડેકીને ખોલીને તેમાં રહેલા તમામ સામાન બહાર કાઢીને ચકાસવામાં આવ્યો હતો. બસની અંદરની તમામ સીટો પણ બોમ્બ અને ડોગ સ્કવોડ દ્વારા તપાસવામાં આવી છે. બસના કાચ પર પણ ઇન્ડીયા-ઇંગ્લેન્ડના સ્ટીકર લગાવવામાં આવ્યા હતા
તે સ્ટીકર પણ ઉખાડીને ચેક કરીને ફરીથી લગાવવામાં આવ્યા. સંપૂર્ણ બસનું બારીકાઈથી ચેકીંગ કરી એરપોર્ટ અંદર જવા રવાના કરી હતી. ભારત અને ઈંગ્લેન્ડની ટીમ ગુરુવારે બપોરે ૪.૩૦ વાગ્યે અમદાવાદ એરપોર્ટ પર ઉતરીને સીધા આશ્રમ રોડ પરની હયાત હોટલમાં જશે.
જાે કે કોરોનાની સ્થિતિને ધ્યાનમાં રાખીને બંને ટીમના ખેલાડીઓ અને સ્ટાફને બાયો બબલ સુરક્ષા હેઠળ આવરી લેવાયા છે. જાે કે બંને ટીમ ૩૩ દિવસ સુધી હયાત હોટલમાં રોકાવાની હોવાથી તેમની સેવામાં તહેનાત હોટલ સ્ટાફના ૧૫૦ મેમ્બરો પણ ૩૩ દિવસ સુધી ઘરે જઈ શકશે નહીં.
આ ૩૩ દિવસ સુધી ૧૫૦ સ્ટાફ મેમ્બરોને પણ ફરજીયાત હોટલમાં જ રહેવું પડશે. જેથી હોટલમાં જ તેમને રહેવાની, ખાવાની સૂવાની, કપડા સહિતની તમામ સગવડ કરવામાં આવી છે. આટલા દિવસ માટે હોટલના આ સ્ટાફ મેમ્બરો તેમના પરિવારના સભ્યોને પણ મળી શકશે નહીં.