ભારત કરતા બે ડગલા આગળ તાઈવાનના સાંસદો: સંસદમાં જ જોરદાર મારામારી, કાચ તોડ્યા
નવી દિલ્હી, ભારતમાં સંસદમાં થતી ચર્ચા દરમિયાન ઉહાપોહ, શોરબકોર અને ફ્લોર પર દેખાવો થતા હોય છે અને લોકો તેનાથી જાણે ટેવાઈ ગયા છે. જોકે તાઈવાનના સાંસદો વિરોધ કરવાની બાબતમાં ભારતના સાંસદો કરતા પણ એક ડગલુ આગળ વધી ગયા છે. તાઈવાનમાં નોમિનેશનને લઈને સત્તાધારી પાર્ટી ડેમોક્રેટિક પ્રોગ્રેસિવ પાર્ટી અને વિપક્ષી કોઉમિતાંગ પાર્ટીના સાંસદો વચ્ચે સંસદમાં જ જોરદાર મારામારી થઈ હતી.જેમાં એક સાંસદ ઘાયલ થયા હતા અને બિલ્ડિંગમાં કાચનો પણ ભુક્કો બોલી ગયો હતો.અન્ય કેટલાક સાસંદોને પણ વાગ્યુ છે.
તાઈવાનની સંસદ મારામારી માટે પહેલેથી કુખ્યાત છે.અહીંયા સાંસદો અવાર નવાર એક બીજા સાથે ભીડાતા હોય છે.ચાર વર્ષ પહેલા સરકાર દ્વારા પેન્શનમાં કાપ મુકવાના પ્રસ્તાવ પર પણ સાંસદો વચ્ચે હાથો હાથની લડાઈ થઈ હતી. આ વખતે મારામારી થવા પાછળનુ કારણ સત્તાધારી પાર્ટીના ચેન ચૂ નામના મહિલા સાંસદને નામાંકન ભરવાથી રોકવાનુ હતુ.વિરોધી પાર્ટી કાઉમિતાંગના સભ્યોએ તેમને નોમિનેશન ફોર્મ ફાઈલ કરતા રોક્યા હતા.જેના પગલે બંને પાર્ટીના સાંસદો આમને સામને આવી ગયા હતા.