ભારત તેમજ ચીન વચ્ચે ફરી વખત વાતચીત થઈ શકે છે
ડેમચોકની પાસે ગોગરા હાઈટ્સ, ડેપસાંગ પ્લેન્સ અને સીએનસી જંકશન ક્ષેત્રથી વિસ્થાપનના મુદ્દે ચર્ચા થઈ શકે છે : કમાન્ડર સ્તરની વાતચીત થવાની શક્યતા
નવી દિલ્હી: સરહદ વિવાદનો પૂરેપૂરી રીતે ઉકેલ લાવવા માટે ભારત અને ચીન એકવાર ફરીથી બેઠક કરવાના છે. બંને દેશો વચ્ચે આ અઠવાડિયે કમાન્ડર સ્તરની વાતચીત થવાની શક્યતા છે. પેન્ગોંગ લેક વિસ્તારમાં બંને દેશોની સેનાઓ પાછળ ગયેલી છે. મહિનાઓ સુધી ચાલેલા ગતિરોધ બાદ પેન્ગોંગમાં સૈનિકોની વાપસી પર સહમતિ બની હતી. કહેવાય છે કે જલદી થનારી આ બેઠકમાં કેટલાક અન્ય વિસ્તારો પર સહમતિ બની શકે છે. કમાન્ડર સ્તરની વાતચીતમાં ગોગરા હાઈટ્સ અને ડેપસાંગમાં વિસ્થાપન પર ચર્ચા થવાની છે. સૂત્રોનું કહેવું છે કે આ સપ્તાહે બંને દેશો વચ્ચે બેઠક થવાની શક્યતા છે.
ગત અઠવાડિયે થયેલી રાજનયિક વાતચીત બાદથી બંને પક્ષો સરહદ વિવાદ ઉકેલવા માટે તત્પર છે અને કમાન્ડર સ્તરની વાતચીતમાં સૈનિકોની વાપસી પર સહમતિ બની શકે છે. સરકારી સૂત્રોએ જણાવ્યું કે બંને પક્ષોમાં ડેમચોકની પાસે ગોગરા હાઈટ્સ, ડેપસાંગ પ્લેન્સ અને સીએનસી જંકશન ક્ષેત્રથી વિસ્થાપનના મુદ્દે ચર્ચા થઈ શકે છે. અત્રે જણાવવાનું કે ભારત અને ચીન વચ્ચે ગલવાનમાં થયેલી હિંસા બાદ તણાવ છે. જાે કે પેન્ગોંગ લેક વિસ્તારમાંથી સૈનિકોની વાપસીથી સંબંધોમાં થોડી ખટાશ ઓછી થઈ છે.
વિવાદાસ્પદ પેન્ગોંગ લેક વિસ્તારથી બંને સેનાઓએ પોતાના જવાનોને પાછા બોલાવી લીધા છે. સેના પ્રમુખ જનરલ મનોજ મુકુંદ નરવણેએ બંને પક્ષોને તેનો શ્રેય આપ્યો છે. આ સાથે જ તેમણે કહ્યું કે સંકટ દરમિયાન રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ દ્વારા અપાયેલા ઈનપુટથી દેશને ખુબ ફાયદો થયો છે. ભારત અને ચીન વચ્ચે અનેક રાઉન્ડની વાતચીત થઈ ચૂકી છે.
શરૂઆતમાં ચીનના અડિયલ વલણના કારણે વાત આગળ વધી શકતી નહતી. પરંતુ ભારત તરફથી થયેલી કાર્યવાહી અને આંતરરાષ્ટ્રીય સ્તરે વધેલા દબાણ બાદ ચીનના તેવર ઓછા થયા. ત્યારબાદ બંને પક્ષ પેન્ગોંગ લેક વિસ્તારમાં સૈનિકોને પાછા બોલાવવા માટે સહમત થયા. હજુ પણ કેટલાક વિસ્તારોને લઈને વિવાદની સ્થિતિ છે. જેના ઉકેલ માટે આગામી કમાન્ડર સ્તરની વાતચીત ખુબ મહત્વપૂર્ણ મનાઈ રહી છે.