ભારત દેશની પરિક્રમા કરીને દેશભરમાંથી માટી એકઠી કરી રહેલાં એરફોર્સના જવાન
શ્રી અશોકકુમાર વર્માનો નવતર અભિગમઃ દેશભરમાંથી એકઠી કરેલી માટીમાં છોડ ઉછેરી, વૃક્ષારોપણ માટે પ્રેરિત કરવા લોકોને ભેટ આપશે
ગુજરાતના રાજ્યપાલશ્રીના હસ્તે વિશ્વપર્યાવરણ દિને ગુજરાતની પવિત્ર ધરાની માટી મેળવી વૃક્ષારોપણ માટે સમગ્ર જીવન સમર્પિત કરવાનો સંકલ્પ દોહરાવ્યો
આજે સમગ્ર વિશ્વ ગ્લોબલ વોર્મિંગની સમસ્યાનો સામનો કરી રહ્યુ છે, ત્યારે પર્યાવરણ બચાવવા અને ખાસ કરીને વૃક્ષારોપણ માટે વધુને વધુ લોકોને પ્રેરિત કરવા આગ્રાના વતની અને મુંબઇ ખાતે એરફોર્સમાં ફરજ બજાવતા શ્રી અશોકકુમાર વર્માએ અનોખો રસ્તો અપનાવ્યો છે.
તેમણે સમગ્ર ભારત દેશની પરિક્રમા કરીને માર્ગમાં આવતા તમામ રાજ્યો, વિવિધ ધર્મના તીર્થસ્થાનો, શહીદ સ્મારકો ખાતેથી માટી એકઠી કરીને, આ એકઠી કરેલી માટીમાં છોડ ઉછેરીને “દેશ કી મિટ્ટી કે સાથ પૌધા“ અભિયાન દ્વારા લોકોને આ છોડ ભેટ કરીને વૃક્ષારોપણ માટે લોકોને પ્રેરિત કરવા નક્કી કર્યુ છે. તેમના આ અભિયાનમાં તેમની ધર્મપત્ની શ્રીમતી નીતુ વર્માનો પૂર્ણ સહયોગ પ્રાપ્ત થયો છે.
ભારત દેશની પરિક્રમા કરીને માટી એકઠી કરવાના નિર્ધાર સાથે એરફોર્સના જવાન શ્રી અશોકકુમાર અને તેમના ધર્મપત્ની શ્રીમતી નીતુ વર્માએ પોતાની મોટરકારમાં રસોઇ બનાવવાની સામગ્રી અને ટેન્ટ જેવી જરૂરી ચીજવસ્તુઓ સાથે લઇને લગભગ ૧૭ હજાર કિ.મી.ની આ પરિક્રમાનો પ્રારંભ મુંબઇ ખાતેથી તેમના માતા ઓમવતી દેવીના હસ્તે માટી સ્વીકારીને તા. ૧૮મી એપ્રિલ ૨૦૨૨ના રોજ કર્યો.
પરિક્રમાનો તમામ ખર્ચ જાતે ઉઠાવીને દરરોજના ૬૦૦ કિમી.નો પ્રવાસ કરવાનું નક્કી કર્યું. રસ્તામાં જ્યાં સુવિધા મળી ત્યાં ટેન્ટ બાંધીને રાતવાસો કરતા, જાતે રસોઇ બનાવી ભોજન કરતા. રસ્તામાં આવતા મહત્વના સ્થળો, તીર્થ સ્થળો, વોર મેમોરિયલની મુલાકાત લઇ ત્યાંની માટી સ્થાનિક લોકોના હસ્તે સ્વીકારે તે તેમનો નિત્યક્રમ બની ગયો હતો.
આ યાત્રા દરમિયાન તેઓ લેહ ખાતે દુનિયાના સૌથી ઊંચા સડક-માર્ગ ખારદુંગ-લા પાસ જ્યાં માઇનસ ડીગ્રી ટેમ્પરેચર હોય છે ત્યાં પણ પહોંચ્યા અને ત્યાંથી માટી મેળવી, પેન્ગોંગના સોલ્ટ લેઇક પહોંચીને માટી મેળવી, દ્રાસ સેક્ટરમાં કારગીલ વોર મેમોરિયલ જઇને શહીદોને શ્રદ્ધાંજલિ અર્પીને ત્યાંના સ્થાનિક લોકોના હસ્તે માટી સ્વીકારી, વાઘા બોર્ડર પણ ગયા. માર્ગમાં આવતી શાળાના વિદ્યાર્થીઓને પર્યાવરણ બચાવવા વૃક્ષારોપણનો સંદેશો આપી તેમની પાસેથી પણ માટી મેળવી.
આ દંપતિ પરિક્રમાના અંતિમ પડાવ તરફ આગળ વધતા મુંબઇ પહોંચતા પહેલાં વિશ્વ પર્યાવરણ દિને ગુજરાતના અતિથિ બન્યા હતા. તેમણે ગુજરાતના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતની મુલાકાત લઇને તેમના હસ્તે ગુજરાતની પવિત્ર ધરાની માટી મેળવી, વૃક્ષારોપણ માટે સમગ્ર જીવન સમર્પિત કરવાનો પોતાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો.
રાજ્યપાલશ્રીએ મુલાકાત દરમિયાન જણાવ્યુ હતું કે, છોડમાં રણછોડના દર્શન કરવા એ આપણી સંસ્કૃતિ છે. છોડને વાવીને તેને ભગવાન ભરોસે છોડી દેવાથી તેનો ઉછેર થતો નથી. આ પાપકર્મ છે. તેમણે જણાવ્યુ હતું કે, વૃક્ષારોપણ બાદ છોડના વિકાસ માટે પૂરતી કાળજી લેવાય તે પણ જરૂરી છે. રાજ્યપાલશ્રીએ જન્મદિને અને લગ્નતિથિ જેવા પ્રસંગે વૃક્ષારોપણ કરી, છોડને ઉછેરવાની કાળજી લેવા માટે લોકોને પ્રેરિત કરવા અનુરોધ કર્યો હતો.
ભારતની પરિક્રમાના વિચાર અંગે જણાવતા શ્રી અશોકકુમાર વર્મા જણાવે છે, “દેશભક્તિના ભાવથી શરૂ કરેલી આ પરિક્રમાનો ઉદ્દેશ પર્યાવરણ બચાવવા વૃક્ષારોપણ કરવા માટે લોકોમાં જાગૃતિ ફેલાવવાનો છે.“ દેશની માટી સાથે લોકો જોડાય,
પર્યાવરણ રક્ષા અને વૃક્ષારોપણના મહત્વને લોકો સમજે, એક ભારત, શ્રેષ્ઠ ભારતની ભાવના સુદૃઢ થાય તે માટે આઝાદીના અમૃત મહોત્સવ પ્રસંગે અમે અમારું યોગદાન આપવાનો પ્રયાસ કર્યો છે એમ જણાવી શ્રી અશોકકુમાર વર્મા અને તેમના પત્ની શ્રીમતી નીતુ વર્માએ પોતાનું શેષ જીવન વૃક્ષારોપણ અભિયાન માટે સમર્પિત કરવાના નિર્ધારને દોહરાવ્યો હતો.