ભારત પર ખરાબ નજર નાખનારાઓને જડબાતોડ જવાબ આપીશું: રાજનાથ સિંહ
નવીદિલ્હી, રક્ષા મંત્રી રાજનાથ સિંહે પાકિસ્તાનને ચેતવણી આપતા કહ્યું કે ભારત પર ખરાબ નજર નાખનારાઓને જડબાતોડ જવાબ આપીશું. તેમણે સરહદ પર પાકિસ્તાન દ્વારા થઈ રહેલા સતત સંઘર્ષ વિરામ ભંગ અને પરમાણુ ધમકીઓને લઈને કહ્યું કે ભારત ક્યારેય પહેલા હુમલો કરતું નથી. ભારતે ક્યારેય કોઈ દેશ પર પહેલા આક્રમણ કર્યું નથી અને ન તો ભારતે કોઈ દેશની એક ઈંચ જમીન પર કબ્જો જમાવ્યો છે. પરંતુ ભારતીય સેનામાં તે કૌવત અને તાકાત છે કે જે ખરાબ નજરથી જોશે તેને જડબાતોડ જવાબ આપશે.
રક્ષા મંત્રીએ કહ્યું કે ભારત સરકારની કોશિશ છે કે અમે ડિફેન્સ આઈટમમાં એક્સપોર્ટર બનીએ. તેમણે કહ્યું કે આજકાલના વોર ફેરમાં ટેક્નોલોજીનો ઉપયોગ વધી રહ્યો છે. દેશની સુરક્ષાના સવાલ પર તેમણે કહ્યું કે અમે કોઈ પણ સંજોગોમાં ૨૬/૧૧નું પુનરાવર્તન થવા દઈશું નહીં. તેમણે કહ્યું કે ભારતીય નેવીની તાકાત પહેલા કરતા વધી છે.
એ યાદ રહે કે પાકિસ્તાનના રેલવે મંત્રીએ હાલમાં જ ભારતનું નામ લીધા વગર પરમાણુ યુદ્ધની ધમકી આપી છે. એ વાત અલગ છે કે પાકિસ્તાનના આ મંત્રીની વાતો કોઈ ગંભીરતાથી લેતુ નથી. પાકિસ્તાનીઓ પોતે પણ નહીં. પાકિસ્તાન પાસે અઢીસો, સવા સો ગ્રામના પરમાણુ બોમ્બ હોવાના નિવેદનો આપી ચૂકેલા રશીદે કહ્યું કે હવે જંગ પરંપરાગત રીતે નહીં થાય પરંતુ પરમાણુ યુદ્ધ થશે. સોમવારે પ્રેસ કોન્ફરન્સમાં એક સવાલના જવાબમાં શેખ રશીદે કહ્યું કે હવે એવું યુદ્ધ નહીં થાય કે ૪-૫ દિવસ સુધી ટેન્ક, તોપો ચાલશે હવે સીધે સીધી પરમાણુ જંગ થશે.
રશીદ આ અગાઉ પણ આવી પોકળ ધમકી આપી ચૂક્યા છે. થોડા સમય પહેલા જ તેમણે ભારતને ધમકી આપતા કહ્યું હતું કે પાકિસ્તાન પાસે સવા સો ગ્રામ અને અઢીસો ગ્રામના પણ પરમાણુ બોમ્બ છે જે કોઈ ખાસ ટારગેટને હીટ કરી શકે છે. તેમના આ નિવેદનની સોશિયલ મીડિયામાં ખુબ ઠેકડી ઉડી હતી. આ જ નેતાને પીએમ મોદીનું નામ લેતા જ કરન્ટ લાગી ગયો હતો. વાત જાણે એમ હતી કે થોડા દિવસ પહેલા તેઓ માઈક પકડીને મોદી વિશે કઈક બોલી રહ્યાં હતાં અને અચાનક કરન્ટ લાગ્યો હતો. ત્યારે હાસ્યાસ્પદ નિવેદન આપતા કહ્યું હતું કે આ કરન્ટ લાગવા પાછળ પણ ભારતનો હાથ છે.