ભારત-પાક. મુકાબલા પર ૧ હજાર કરોડના સટ્ટાનો અંદાજ
દુબઈ, ટી-૨૦ વર્લ્ડકપમાં રવિવારે ભારત અને પાકિસ્તાન વચ્ચે યોજાનારા હાઈ પ્રોફાઈલ મુકાબલા માટે અત્યાર સુધીમાં ૧૦૦૦ કરોડ રૂપિયાનો સટ્ટો લાગી ચુકયો હોવાનુ અનુમાન થઈ રહ્યુ છે.
ક્રિકેટ ચાહકોની નજર આ મેચ પર છે ત્યારે એવુ કહેવાઈ રહ્યુ છે કે, સટ્ટા બજારમાં આ મેચ જીતવા માટે ભારત ફેવરિટ છે. અત્યાર સુધીમાં ૧૦૦૦ કરોડ રૂપિયાનો સટ્ટો લાગી ચુકયો છે અને મેચ માટે ટોસ ઉછળશે ત્યાં સુધીમાં આ આંકડો ૨૦૦૦ કરોડ રૂપિયા સુધી પહોંચી જાય તેવી શક્યતા છે.
એવુ કહેવાય છે કે, દેશભરના મોટા બૂકીઓ હાલમાં દુબઈમાં છે. એક ન્યૂઝ ચેનલના અહેવાલમાં દુબઈના એક બૂકીને ટાંકીને કહેવાયુ છે કે, ઓનલાઈન બેટિંગ સાઈટ થકી દેશના તમામ નાના મોટા સટોડિયાઓએ કરોડો રૂપિયાનો સટ્ટો મેચ પર લગાવ્યો છે. આ વેબસાઈટ ભારત બહારથી ઓપરેટ થઈ રહી છે અને તેના પર કરોડો રૂપિયાનો સટ્ટો રમાઈ રહ્યો છે.
બીજી તરફ ભારતીય ક્રિકેટ બોર્ડના એન્ટી કરપ્શન યુનિટના મોટા અધિકારીઓ પણ દુબઈ અને અબુધાબીમાં પહોંચીને નજર રાખી રહ્યા છે. તેમનુ કહેવુ છે કે, દરેક હિલચાલ પર અમારી નજર છે અને તેમાં પ્લેયરોની સુરક્ષાનો મુદ્દો પણ સામેલ છે.SSS