ભારત-પાક. વચ્ચે મધ્યસ્થી નહીં કરીએઃ અમેરિકા

નવીદિલ્હી: અમેરિકી વિદેશપ્રધાન એન્ટની બ્લિન્કેનની ભારત મુલાકાત પહેલાં જ બાઇડેન વહીવટીતંત્રે નવી દિલ્હીને રાજી કરતાં સ્પષ્ટતા કરી છે કે ભારત અને પાકિસ્તાન વચ્ચે અમેરિકા મધ્યસ્થી નહીં કરે. એન્ટની બ્લિન્કેનની ભારત મુલાકાત પહેલાં દક્ષિણ અને મધ્ય એશિયા માટે સહાયક વિદેશપ્રધાન ડીન થોમ્પસને પત્રકારોને જણાવ્યું હતું કે ભારત અને પાકિસ્તાને પોતાની વચ્ચેની સમસ્યાઓ જાતે જ ઉકેલવાની છે.
ભારત અને પાકિસ્તાન વચ્ચે આ વર્ષના આરંભમાં લાગુ થયેલો શસ્ત્રવિરામ હજી પણ ચાલુ છે તે પરત્વે સંતોષ જાહેર કરતાં ડીન થોમ્પસને જણાવ્યું હતું કે અમેરિકા બંને દેશોને સ્થિર સંબંધો ઊભા કરવા સતત પ્રયાસ કરવા પ્રોત્સાહન આપતું રહ્યું છે. ટ્રમ્પ શાસનકાળમાં તત્કાલીન પ્રમુખ ટ્રમ્પે પોતે અનેક વાર ભારત-પાકિસ્તાન વચ્ચે મધ્યસ્થી કરવાની ઓફર કરી હતી. પરંતુ ભારત વારંવાર સ્પષ્ટતા કરી ચૂક્યું છે કે દ્વિપક્ષીય સંબંધોમાં તે કોઇ મધ્યસ્થીની તરફેણ નથી કરી રહ્યું.
અમેરિકી વિદેશપ્રધાન એન્ટની બ્લિન્કેન ૨૭ જુલાઇના રોજ ભારતની બે દિવસની મુલાકાતે આવી જશે. ૨૮ જુલાઇના રોજ તેઓ વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને વિદેશપ્રધાન એસ.જયશંકરને મળશે. ભારતના નેતાઓ સાથે તેઓ કોવિડ-૧૯ મોરચે સહયોગ ચાલુ રાખવા, પ્રાદેશિક સુરક્ષા અને હિતો જેવા મુદ્દે ચર્ચા કરી શકે છે. બે દિવસીય મુલાકાત દરમિયાન તેઓ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલને પણ મળશે.