ભારત પાસેથી છીનવાઈ શકે છે ટી૨૦ વિશ્વકપની યજમાની
નવીદિલ્હી: કોરોના મહામારીએ ભારતમાં તાંડવ મચાવ્યું છે. છેલ્લા કેટલાક દિવસથી ભારતમાં દરરોજ ત્રણ લાખ કરતા વધુ કેસ સામે આવી રહ્યાં છે. ભારતમાં આ સમયે ઈન્ડિયન પ્રીમિયર લીગનું આયોજન થઈ રહ્યું છે અને વર્ષના અંતમાં ભારતમાં ટી૨૦ વિશ્વ કપ રમાવાનો છે. કોરોનાને કારણે દેશની જે સ્થિતિ થઈ ગઈ છે, તેને જાેવા આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ ભારત પાસેથી ટી૨૦ વિશ્વકપની યજમાની છીનવી શકે છે.
ડેલીમેલની ખબર પ્રમાણે ભલે ટી૨૦ વિશ્વકપ શરૂ થવામાં હજુ છ મહિનાનો સમય છે, પરંતુ ભારતની હાલની પરિસ્થિતિ જાેતા તેવું માનવામાં આવી રહ્યું છે કે યુનાઇટેડ અરબ અમીરાતને ટી૨૦ વિશ્વકપની યજમાની આપી શકાય છે. અહેવાલ પ્રમાણે આઈસીસીએ યૂએઈને સ્ટેન્ડબાય વેન્યૂ તરીકે રાખ્યું છે. પાછલા વર્ષે આઈપીએલનું આયોજન પણ યૂએઈમાં થયું હતું.
ટી૨૦ વિશ્વકપ પાછલા વર્ષે ઓસ્ટ્રેલિયામાં રમાવાનો હતો, પરંતુ કોરોના મહામારીને કારણે તેને સ્થગિત કરવો પડ્યો હતો. ટી૨૦ વિશ્વકપ માટે ભારતે ૯ સ્થળ પસંદ કર્યા છે. ટૂર્નામેન્ટની ફાઇનલ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાડવાની વાત થઈ છે.