ભારત પેટ્રોલિયમમાં હિસ્સો વેચવા માટેની તૈયારી કરાઈ
મુંબઈ, મહિનાના અંત સુધી ભારત પેટ્રોલિયમ કોર્પોરેશનમાં હિસ્સેદારી વેચાણ માટેની પ્રક્રિયા કેન્દ્રીય કેબિનેટ હાથ ધરે તેવી શક્યતા છે. નાણાંકીય વર્ષની અંદર બીપીસીએલમાં તેની સમગ્ર ૫૩.૨૯ ટકા હિસ્સેદારી વેચવા માટે સરકાર ઇચ્છુક છે. સરકાર વૈશ્વિક અને ખાનગી ભાગીદારો પાસેથી માહિતી મેળવવા માટે ઇચ્છુક છે. અદાણી ટોટલ, રિલાયન્સ, સાઉદી અરામ્કો સહિતની કંપનીઓ પાસેથી માહિતી મેળવવાના પ્રયાસ થઇ રહ્યા છે.
બિડિંગમાં આક્રમક ભાગીદારી કરવા માટે વૈશ્વિકની સાથે સાથે ખાનગી કંપનીઓને પણ આકર્ષિત કરવામાં આવી રહી છે. ઘટનાક્રમ ઉપર નજર રાખી રહેલા જાણકાર લોકોએ કહ્યું છે કે, આ સંદર્ભમાં કેબિનેટ નોટ તૈયાર કરી લેવામાં આવી છે જે આંતર પ્રધાનસ્તરની વાતચીતમાં રજૂ કરવામાં આવી ચુકી છે. આ મહિનાના અંત સુધીમાં અથવા તો ૨૪મી ઓક્ટોબર સુધી આને લીલીઝંડી આપવામાં આવી શકે છે. કેન્દ્રીય કેબિનેટમાં પણ આ વિષય ઉપર વાતચીત થઇ રહી છે.
કોર્પોરેટ બાબતો, કાયદો, ન્યાય સહિત જુદા જુદા મંત્રાલયને આ કેબિનેટ નોટ મોકલી દેવામાં આવી છે. આ હિલચાલથી ડિસઇન્વેસ્ટમેન્ટના ટાર્ગેટને પહોંચી વળવામાં સરકારને મદદ મળી શકે છે. વર્તમાન નાણાંકીય વર્ષ માટે ૧.૫ ટ્રિલિયન રૂપિયા માટેનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. કેબિનેટ દ્વારા ભારત પેટ્રોલિયમમાં હિસ્સેદારી વેચવાની તમામ તૈયારીઓ કરી લેવામાં આવી છે. ડિસઇન્વેસ્ટમેન્ટની દિશામાં સરકાર ખુબ ઝડપથી આગળ વધવા માટે ઇચ્છુક છે. કેબિનેટને લઇને ટૂંકમાં અંતિમ નિર્ણય લેવામાં આવી શકે છે.