ભારત બંધ: ભરૂચની વડદલા APMC ચાલુ રહી તો મહંમદપુરા APMC સજ્જડ બંધ
દહેજ બાયપાસ રોડ ઉપર ટાયરો સળગાવી કર્યો ચક્કાજામ : કોંગી પ્રમુખ સહિત આગેવાનોની પોલીસ દ્વારા અટકાયત.
ભરૂચના પશ્ચિમ વિસ્તારના કેટલાય બજારો બંધ તો પૂર્વપટ્ટીનો વિસ્તારના વેપાર ધંધા થી ધમધમતો.
(વિરલ રાણા દ્વારા) ભરૂચ, : ભરૂચ જીલ્લામાં પણ ભારત બંધના એલાનને ખેડૂતો તથા કેટલાક વેપારીઓએ સમર્થન જાહેર કર્યું હતું જેના પગલે ભરૂચની મહંમદપુરા એપીએમસી ના વેપારીઓએ સ્વયંભુ બંધ પાડયો હતો.જ્યારે ભરૂચ વડદલા એપીએમસી ચાલુ રહી હતી.તો ભરૂચના કેટલાક બજારો પણ સ્વયંભૂ બંધ રહ્યા હતા.ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં મોટા ભાગના વેપાર-ધંધા બંધ રહ્યા હતા તો પૂર્વ વિસ્તારમાં મોટાભાગના બજારો ધમધમતા જોવા મળતા ભરૂચ શહેરમાં ૫૦-૫૦ ટકા લોકો ભારત બંધના એલાનમાં જોડાતા મિશ્ર પ્રતિસાદ જોવા મળ્યો હતો.
નવા કૃષિ કાયદા વિરુદ્ધ ખેડૂતોએ ભારત બંધનું આહ્વાન કર્યું હતું.ખેડૂતોના ભારત બંધને કોંગ્રેસ સહિત દેશના ૧૦થી વધુ રાજકીય પક્ષોએ સમર્થન આપ્યું હતું.ભારત બંધમાં ગુજરાતના કેટલાક ખેડૂતો,મજૂરો, વેપારીઓ અને ટ્રેડ યુનિયનો જોડાતા આ વિરોધના પગલે ગુજરાતમાં મોટાભાગની એપીએમસી બંધ રહેશે તેવી જાહેરાત કરાઈ હતી.જેના પગલે ભરૂચ જીલ્લામાં માત્ર ભરૂચ શહેરમાં બે એપીએમસી પૈકી મહંમદપુરા ની એપીએમસીના ૫૦૦થી વધુ વેપારીઓએ વેપાર-ધંધા બંધ રાખ્યા હતા પરંતુ વડદલા એપીએમસી વેપારીઓ અને ગ્રાહકોથી ધમધમતી જોવા મળી હતી.
જોકે ભરૂચમાં પશ્ચિમ વિસ્તારમાં આવેલ જૂની એપીએમસી માર્કેટના વેપારીઓએ ગત રોજથી જ ભારત બંધમાં જોડાવા ની તૈયારી બતાવી હતી અને જોડાયા પણ હતા.જેના પગલે મહંમદપુરા એપીએમસીના ૫૦૦ થી વધુ વેપારીઓએ સ્વયંભૂ પોતાના વેપાર-ધંધા બંધ પાડી ખેડૂતોના ભારત બંધના એલાનને સમર્થન આપ્યું હતું.
વહેલી સવાર થી જ ગુજરાતમાં કેટલાક શહેરોમાં ટાયર સળગાવીને ચક્કાજામ કરવાનો પ્રયાસ કરાયો હતો.જોકે વિરોધને પગલે ગુજરાત પોલીસ દ્વારા કેટલાક ખેડૂત અગ્રણીની પહેલેથી જ અટકાયત કરી લેવાઈ હતી.તો અનેક શહેરો અને ગુજરાતની બોર્ડર પર ચુસ્ત બંદોબસ્ત ખડકી દેવાયો છે.
ભરૂચમાં વહેલી સવાર થી જ નેશનલ હાઈવે સહિતના જાહેર માર્ગોઉપર કોંગ્રેસીઓએ ટાયરો સળગાવી વિરોધ કરાયો હતો.ભરૂચમાં ભારત બંધના પગલે દહેજ રોડ પર ટાયરો સળગાવી ચક્કાજામ કરાયો હતો.જેથી દહેજ જીઆઈડીસી માં જતા વાહનોની લાંબી કતારો લાગી હતી.ભરૂચ પોલીસે ભારત બંધના એલાનના પગલે કાયદો અને વ્યવસ્થા જળવાય તે માટે વહેલી સવારથી જ કોંગી અગ્રણીઓની પણ અટકાયત નો દૌર શરૂ કરી દેવામાં આવ્યો હતો.પોલીસે જીલ્લામાં તમામ કોંગ્રેસી નેતાઓ અને આગેવાનોને નજર કેદ કર્યા હતા.
ભરૂચના કોંગ્રેસ સમિતિના જીલ્લા પ્રમુખ પરિમલસિંહ રાણા તેમજ પાલિકાના વિરોધ પક્ષના નેતા સમસાદઅલી સૈયદ, શહેર પ્રમુખ વિક્કી સોખી સહિતના આગેવાનોની શ્રાવણ ચોકડી પરથી અટકાયત કરવામાં આવી હતી.પાલિકાના પૂર્વ વિરોધ પક્ષના નેતા સલીમ અમદાવાદી અને લોકસરકાર ના આગેવાન ઝુુબેર પટેલને વહેલી સવારથી જ તેમના ઘરેથી પોલીસે અટકાયત કરી અને બી ડિવિઝન પોલીસ મથકમાં લાવી બેસાડી દીધા હતા.યુથ કોંગ્રેસ ના પ્રમુખ શેરખાન પઠાણની આગેવાની માં નેત્રંગ બજારને બંધ કરાવવા માટે નીકળેલા સમર્થકોને પણ પોલીસે અટકાવી તેઓની અટકાયત કરવામાં આવી હતી તો ઝઘડિયા ખાતે પણ કોંગ્રેસ અને બીટીપી નું સમર્થન મળતા કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ દ્વારા ફ્લેગ માર્ચ પણ યોજાઈ હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે ભરૂચ જીલ્લાના ૯ તાલુકાઓમાં પણ ભારત બંધના સમર્થનમાં કેટલાક વેપારીઓએ પોતાના વેપાર-ધંધા બંધ પાડ્યા હતા.જેમાં ભરૂચ શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલા કતોપોર બજારના વેપારીઓએ પણ સ્વૈચ્છિક પોતાના વેપાર-ધંધા બંધ પાડી ભારત બંધના એલાનને સમર્થન આપ્યું હતું.કતોપોર બજારમાં કેટલાય દુકાનદારો પોતાની દુકાનની બહાર બેઠેલા જોવા મળ્યા હતા.અન્ય તાલુકાઓમાં પણ ભારત બંધના એલાનને લઈને
પોલીસ સજ્જ થઈ ગઈ હતી.તો કેટલાય વેપારીઓએ સ્વૈચ્છિક પોતાના વેપાર-ધંધા બંધ પાડ્યા હતા.
ભારત બંધના એલાનના પગલે ભરૂચના વડદલા ખાતે આવેલ એપીએમસીના વેપારીઓ અને ખેડૂતો એ બંધ ને જાકારો આપ્યો છે અને રાબેતા મુજબ એપીએમસી ની કામગીરી ચાલુ રહી હતી વેપારીઓએ વહેલી સવારથી જ દુકાનો ખોલી અને પોતાના વેપાર-ધંધા ચાલુ રાખ્યા હતા.જ્યારે ભરૂચના મોહમ્મદપુરા ખાતે આવેલ એપીએમસીના વેપારીઓ ભારત બંધને સમર્થન આપી અને સજ્જડ બંધ પાળ્યું છે.