ભારત બાદ હવે અમેરિકાએ ચીનને આપ્યો જબરદસ્ત ઝટકો ટિકટોક પર કરી મોટી કાર્યવાહી
વોશિંગ્ટન, અમેરિકી સેનેટે સરકારી ઉપકરણો પર ટિકટોકના ઉપયોગ પર રોક લગાવી દીધી. સેનેટે સરકારી ઉપકરણોમાં ટિકટોકના ઉપયોગ પર રોક લગાવવા માટે મતદાન કર્યું હતું. વ્હાઈટહાઉસે કહ્યું કે સુરક્ષાને જોતા ટિકટોક મોટું જોખમ છે આથી આવું પગલું લેવું જરૂરી છે. આ બધા વચ્ચે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એક કાર્યકારી આદેશ પર હસ્તાક્ષર કરીને અમેરિકી કંપનીઓને ચાઈનીઝ એપ ટિકટોક અને વીચેટના માલિકોની સાથે કોઈ પણ પ્રકારની ‘લેવડદેવડ’ પર પ્રતિબંધ લગાવી દીધો છે. આ માટે ૪૫ દિવસનો સમય અપાયો છે.
અમેરિકી રાષ્ટ્રપતિએ ગુરુવારે સાંજે ચીની એપ ટિકટોક અને વીચેટને ૪૫ દિવસની અંદર બેન કરવાના આદેશ પર હસ્તાક્ષર કર્યા છે. આ અગાઉ સેનેટે એકમતથી અમેરિકી કર્મચારીઓના ટિકટોક નહીં વાપરવાના આદેશ પર પોતાની મંજૂરી આપી હતી. પ્રતિબંધના આદેશ પર હસ્તાક્ષર કર્યા બાદ ટ્રમ્પે કહ્યું કે આ પ્રતિબંધ જરૂરી છે કારણ કે અવિશ્વાસુ એપ જેવી ટિકટોકથી ડેટા ભેગો થવોએ દેશની રાષ્ટ્રીય સુરક્ષા સામે જોખમ છે. ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે ડેટા કલેક્શનથી ચીની કમ્યુનિસ્ટ પાર્ટીને અમેરિકી લોકોની અંગત અને સ્વામિત્વ સંબંધિત જાણકારી પહોંચી જાય છે. જેનાથી ચીનને અમેરિકાના ફેડરેલ કર્મચારીઓ અને ઠેકેદારોના સ્થાનોને ટ્રેક કરવાની મંજૂરી મળી જાય છે. એટલું જ નહીં કમ્યુનિસ્ટ પાર્ટી અંગત સૂચનાઓને બ્લેકમેઈલ કરવા માટે ડોઝિટર બનાવી શકે છે અને કોર્પોરેટ જાસૂસી પણ કરી શકે છે.
ટિકટોક, માઈક્રોસોફ્ટ, અને વીચેટના માલિકોએ તત્કાળ કોઈ પ્રતિક્રિયા આપી નથી. આ અગાઉ અમેરિકી વિદેશ મંત્રી માઈક પોમ્પિઓએ બુધવારે કહ્યું હતું કે તેઓ અમેરિકી કાર્યવાહીને ચીની ટેક્નોલોજીથી ખાનગી એપ સુધી વધારી રહ્યાં છે. તેમણે ટિકટોક અને વીચેટનું પણ નામ લીધુ હતું. ભારતમાં પહેલેથી જ સંદિગ્ધ એપ પર પ્રતિબંધ લાગેલો છે.
અત્રે જણાવવાનું કે હાલમાં જ સેનેટર જોશ હોલે ફેડરલ કર્મચારીઓને અપાયેલા સરકારી ઉપકરણોમાં ટિકટોકના ઉપયોગને રોકવા માટે એક બિલ રજુ કર્યું હતું. જેના પર સર્વસંમતિથી મતદાન થયું. અત્રે જણાવવાનું કે સુરક્ષા કારણોસર ભારતે પહેલેથી જ ટિકટોક પર સંપૂર્ણ રીતે પ્રતિબંધ મૂકેલો છે. હાલમાં જ અમેરિકા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ચેતવણી આપતા કહ્યું હતું કે માઈક્રોસોફ્ટ કે કોઈ અન્ય કંપની ન ખરીદે તેવી પરિસ્થિતિમાં દેશમાં ટિકટોકને બેન કરવા માટે ૧૫ સપ્ટેમ્બરની સમયમર્યાદા લગાવી દીધી છે. તેમણે આ અંગેના કાર્યકારી આદેશ પર હસ્તાક્ષર પણ કરી દીધા છે.HS