ભારત બાયોટેકનું મોટુ ષડયંત્ર-કોવાક્સિન રસીની આડઅસરની માહિતી છુપાવી
નવી દિલ્હી, ભારતમાં આઇસીએમઆરના સહયોગમાં કોરોનાની સ્વદેશી રસી વિકસાવી રહેલી હૈદરાબાદ સ્થિત ભારત બાયોટેકની કોવાક્સિન રસીની પ્રથમ ફેઝની ક્લિનિકલ ટ્રાયલ દરમિયાન ઓગસ્ટ મહિનામાં એક વોલન્ટિયર પર વિપરિત અસર થઈ હોવા છતાં કંપનીએ ત્રીજા ફેઝની ટ્રાયલ શરૂ કરી દીધી હોવાના અહેવાલો પ્રાપ્ત થઈ રહ્યાં છે.
કોવાક્સિનની ક્લિનિકલ ટ્રાયલનું મોનિટરિંગ કરી રહેલા સંશોધકોએ નામ નહીં આપવાની શરતે જણાવ્યું હતું કે, ઓગસ્ટ મહિનામાં પહેલા ફેઝની ટ્રાયલ દરમિયાન તેમાં ભાગ લેનાર એક ૩૫ વર્ષિય યુવાન પર વિપરીત અસરો જોવા મળી હતી. આ યુવાનને અન્ય કોઈ રોગ નહોતો.
કંપનીએ બીજા ફેઝની ટ્રાયલમાં પણ ડોઝનો સમય ૨૮ દિવસથી ઘટાડીને ૧૪ દિવસ કરીને પ્રોટોકોલનું ઉલ્લંઘન કર્યું છે. આ ઉપરાંત કંપનીએ અગાઉના ૭૫૦ વોલન્ટિયરની સંખ્યા ઘટાડીને ૩૮૦ કરી નાખી હતી. ભારત બાયોટેકે ૧૬મી નવેમ્બરથી ૨૬,૦૦૦ વોલન્ટિયર પર કોવાક્સિનના ત્રીજા ફેઝની ક્લિનિકલ ટ્રાયલની શરૂઆત કરી છે.