ભારત રસીકરણ અભિયાનમાં દુનિયામાં ત્રીજા નંબરે પહોંચ્યું
નવીદિલ્હી: ભારતમાં કોરોના રસીકરણ અભિયાનનું બીજું ચરણ ચાલી રહ્યું છે. કોરોના વેક્સીનેશન મામલે ભારત હવે યૂકેને પાછળ મૂકીને ત્રીજા સ્થાને પહોંચી ગયું છે. ભારત કરતાં આગળ અમેરિકા અને ચીન છે. નોંધનીય છે કે, છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં ૧૩ લાખ ૬૦ હજાર કોરોના વેક્સીનના ડોઝ આપવામાં આવ્યા છે. આમ કુલ વેક્સીનેશનનો આંક ૨.૪૪ કરોડે પહોંચી ગયો છે.
બુધવારે કેન્દ્રીય સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં ૧૭,૯૨૧ નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-૧૯ના કારણે ૧૩૩ દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને ૧,૧૨,૬૨,૭૦૭ થઈ ગઈ છે.આ ઉપરાંત, કોવિડ-૧૯ની મહામારી સામે લડીને ૧ કરોડ ૯ લાખ ૨૦ હજાર ૪૬ લોકો સાજા પણ થઇ ચૂક્યા છે. ૨૪ કલાકમાં ૨૦,૬૫૨ દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. હાલમાં ૧,૮૪,૫૯૮ એક્ટિવ કેસો છે. બીજી તરફ, અત્યાર સુધીમાં કુલ ૧,૫૮,૦૬૩ લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે.
વિશેષમાં, ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચે બુધવારે જાહેર કરેલા આંકડાઓ મુજબ, ૯ માર્ચ સુધીમાં ભારતમાં કુલ ૨૨,૩૪,૭૯,૮૭૭ કોરોના સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. નોંધનીય છે કે, મંગળવારના ૨૪ કલાકમાં ૭,૬૩,૦૮૧ સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે.