Western Times News

Gujarati News

ભારત લોન્ચ કરશે ચંદ્રયાન-3, ‘ગગનયાન’ મિશનની પણ તૈયારી પૂરી

નવી દિલ્હી: ભારત સરકારે ચંદ્રયાનના ત્રીજા મિશન એટલે કે ચંદ્રયાન-3ની પરિયોજનાને પોતાની મંજૂરી આપી દીધી છે. ઈસરો પ્રમુખના સિવને બુધવારે જાહેરાત કરી હતી કે, ચંદ્રયાન-3ને સરકારની મંજૂરી મળ્યા બાદ હવે આ પરિયોજના પર કામ શરૂ થઈ ચૂક્યું છે. આ અભિયાન પર ચંદ્રયાન-2 કરતાં પણ ઓછો ખર્ચો કરવામાં આવશે. આ સાથે જ તેમણે જણાવ્યું કે, આંધ્ર પ્રદેશના શ્રીહરિકોટા ઉપરાંત તમિલનાડુમાં પણ અંતરિક્ષ કેન્દ્ર ખોલવામાં આવશે. તૂતિકોરિનમાં આ માટે જમીનની શોધખોળ કરવામાં આવી રહી છે.

ISRO ચીફ કે સિવને જણાવ્યું કે, નવા વર્ષ 2020માં ગગનયાન અને ચંદ્રયાન-3 મિશન લોન્ચ કરવામાં આવશે. અમે ચંદ્રયાન-2ને લઈને સારી પ્રગતિ કરી હતી. ભલે અમે સફળતા પૂર્વક લેન્ડના કરી શક્યા, પરંતુ ઓર્બિટર હજુ સુધી કામ કરી રહ્યું છે અને સાયન્સ ડેટા એકઠા કરવા માટે તે આગામી 7 વર્ષો સુધી કામ કરતુ રહેશે.

આ સાથે જ ઈસરો ચીફે જણાવ્યું કે, અંતરિક્ષ વિજ્ઞાન મારફતે દેશવાસીઓના જીવનને સમૃદ્ધ કરવાનો અમારો પ્રયત્ન છે. તેમણે જણાવ્યું કે, ગગનયાન મિશન પર જવા માટે 4 અંતરિક્ષયાત્રીઓની ઓળખ કરવામાં આવી ચૂકી છે. આ પ્રોજેક્ટ માટેનું કામ મોટાભાગે પૂર્ણ થઈ ચૂક્યું છે.

અગાઉ એવા સમાચાર સામે આવ્યા હતા કે, ભારત ચંદ્ર પર પોતાનું ત્રીજું મિશન 2020માં લોન્ચ કરશે. અંતરિક્ષ વિભાગના રાજ્યમંત્રી જિતેન્દ્ર સિંહે મંગળવારે જ જણાવ્યું હતું કે, અહી માત્ર લેન્ડર અને રોવર મારફતે ચંદ્રયાન-3 ચંદ્ર પર સોફ્ટ લેન્ડિંગ કરશે. તેમણે જણાવ્યું હતું કે, ચંદ્રયાન-2 નિષ્ફળતા નહતું, પરંતુ તેમાંથી અમે ઘણું શીખ્યા છીએ. વિશ્વનો કોઈ દેશ પણ પ્રથમ પ્રયત્ને ચંદ્ર પર ઉતરી શક્યો નથી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.