Western Times News

Gujarati News

ભારત વધુ વિકાસ સાધે તે દિશામાં વિશ્વ બેન્કના અધ્યક્ષ ડેવિડ મલપાસનું સંબોધન

રાજપીપલા :  મસુરીની લાલ બહાદુર શાસ્ત્રી એકેડેમી ઓફ એડમીનીસ્ટ્રેશન દ્વારા દેશભરના અંદાજે ૪૫૦ જેટલા IAS,IPS,IFS અને IRS જેવી સનદી સેવાઓ માટેના પ્રોબેશનર અધિકારીઓના સ્ટેચ્યુ ઓફ યુનિટી-કેવડીયા કોલોનીમાં ટેન્ટ સીટી-૨ ના કોન્ફરન્સ હોલ ખાતે DOPT ના કોમન ફાઉન્ડેશન કોર્ષ “આરંભ” માં જોડાયેલા અધિકારીઓના પ્રારંભ સત્રને તાજેતરમાં નૂતન વર્ષા દિને વિશ્વ બેન્કના અધ્યક્ષ શ્રીમાન ડેવિડ મલપાસે દિપ પ્રાગટય દ્વારા ખૂલ્લુ મૂકી સિવિલ સર્વિસ કેપેસીટી બિલ્ડીંગ વિષયક તેમને ઉદઘાટકીય ઉદબોધન કર્યુ હતું અને તેમના પ્રેરક ઉદબોધન દ્વારા પ્રોબેશનર અધિકારીઓને તેઓશ્રીએ પ્રોત્સાહિત કર્યા હતા.

વિશ્વ બેન્કની ટીમના એસ. અપર્ણા, શ્રી કે. શ્રીનિવાસ, કન્ટ્રી ડિરેકટર સહિતના અન્ય સભ્યો, લાલ બહાદુર શાસ્ત્રી સનદી સેવા અકાદમીના નિયામક ડૅા.સંજીવ ચોપરા, કેન્દ્રીય પર્સોનલ અને તાલીમ વિભાગના સચિવશ્રી ડૅા. સી.ચંદ્રમૌલી, યુરોપીયન ડેવલપમેન્ટ બેન્કના ચેરમેન સર સુમા ચક્રવર્તી તેમજ અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં યોજાયેલા ઉકત કાર્યક્રમમાં પ્રોબેશનર અધિકારીઓને સંબોધતા વિશ્વ બેન્કના અધ્યક્ષશ્રી ડેવીડ મલપાસે ભારત વધુ વિકાસ સાધે તે દિશામાં જરૂરી વિચાર-વિમર્શ સાથે યોગ્ય માર્ગદર્શન આપ્યું હતું.

વિશ્વ બેન્કના અધ્યક્ષશ્રી ડેવિડ મલપાસે આજના નૂતન વર્ષના પ્રારંભે તાલીમમાં ભાગ લઇ રહેલાં પ્રોબેશનર અધિકારીઓ સહિત સૌ કોઇને નૂતન વર્ષના વધામણાં સાથે દિપાવલી પર્વની શૂભકામનાઓ પાઠવી હતી. પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ દિપાવલીના પર્વમાં સિવિલ સર્વિસના પ્રોબેશનર અધિકારીઓના આ તાલીમ વર્ગમાં ઉપસ્થિત રહેવાના નિમંત્રણ સાથે અવસર પૂરો પાડવા બદલ તેમજ તેમના આ પ્રવાસમાં ગુજરાતના મુખ્યમંત્રીશ્રી સહયોગી તરીકે જોડાયા તે  બદલ હર્ષની લાગણી સાથે  તેમણે પ્રધાનમંત્રીશ્રીનો આભાર વ્યકત કર્યો હતો.

પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં ભારતના ન્યુટ્રીશન, ક્રોપ ફાર્મીગ, ફાઇનાન્સીયલ ઇન્કલુઝન, હાઉસીંગ, મહિલા સશકિતકરણ સહિતના વિવિધ ક્ષેત્રોમાં થઇ રહેલી કામગીરીને બિરદાવી આવી અભિનવ પહેલો બદલ પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીને વિશ્વ બેન્કના અધ્યક્ષશ્રીએ અભિનંદન આપ્યાં હતાં. પ્રારંભમાં ડૅા. સી. ચંદ્રમૌલીએ તેમના સ્વાગત પ્રવચનમાં સૌને આવકાર્યા હતાં


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.