ભારત વિકાસ પરિષદ ખેડબ્રહ્મા દ્વારા ત્રિવિધ કાર્યક્રમ યોજાયો
(તસ્વીરઃ હસમુખ પંચાલ, ખેડબ્રહ્મા) ભારત વિકાસ પરિષદ ખેડબ્રહ્મા દ્વારા તારીખ ૨૮- ૪ -૨૦૨૪ ને રવિવારના રોજ સવારે નવ વાગે ખેડબ્રહ્મા શહેરના ગામ વિસ્તારમાં બ્રહ્માજી મંદિર રોડ પર આવેલ ડૉક્ટર હર્ષદભાઈના દવાખાના ખાતે નિઃશુલ્ક મેડિકલ કેમ્પ, કીડિયારૂ વિતરણ તથા લોકમત પરિષ્કાર જાગરણ પુસ્તિકાના વિતરણનો કાર્યક્રમ એમ ત્રણ કાર્યક્રમ યોજાયા.
મેડિકલ કેમ્પમાં તમામ દર્દીઓને નિશુલ્ક નિદાન કરી દવાઓનું વિતરણ કરવામાં આવ્યું. આ ઉપરાંત હર વર્ષની જેમ આ વર્ષે પણ ભારતીય સંસ્કૃતિ પ્રમાણે કીડીઓને ચૈત્ર માસમાં કીડિયારુ પૂરવાનો રિવાજ છે તે અંતર્ગત કીડિયારાના પેકેટનું વિતરણ શરૂ કરવામાં આવ્યું.
ભારતીય સંસ્કૃતિની પરંપરા પ્રમાણે એવું કહેવાય છે કે ચૈત્ર માસમાં કીડીઓ તેમના દરમાં ૧૨ માસ માટે ચાલે એટલો આહાર ભેગી કરી લેતી હોય છે.
અને કીડિયારુ પૂર્વાવાળાને પુણ્ય મળે છે. પ્રાંતમાંથી આવેલ મતદાન જાગૃતિ માટે લોકમત પરિષ્કાર જાગરણ પુસ્તિકાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ભારત વિકાસ પરિષદ ખેડબ્રહ્માના પ્રમુખ ડો. હર્ષદભાઈ પટેલ,
ડૉ.ઋતુરાજ પટેલ, ડૉ. હેમલ પટેલ, સહમંત્રી હસમુખભાઈ પંચાલ, માલજીભાઈ દેસાઈ પરોસડાવાળા તથા મહેન્દ્રસિંહ બાપુ મેડિકલ વાળા વિગેરે હાજર રહ્યા હતા. મેડિકલ કેમ્પમાં ડોક્ટર હર્ષદભાઈ પટેલના સ્ટાફે તમામ સવલત પૂરી પાડી હતી.