ભારત વિશ્વમાં નંબર-૧ દેશ ન બને ત્યાં સુધી ભગવાન મને મૃત્યુ ન આપેઃ કેજરીવાલ

નવીદિલ્હી, દિલ્હી બાદ પંજાબમાં સરકાર બનાવનાર આમ આદમી પાર્ટીની નજર હવે ૨૦૨૪ની લોકસભા ચૂંટણી પર ટકેલી છે. કહેવામાં આવી રહ્યું છે કે પાર્ટી આ માટે સતત તૈયારી કરી રહી છે. આ દરમિયાન પાર્ટી કન્વીનર અરવિંદ કેજરીવાલે કહ્યું છે કે ૨૦૨૪ની લોકસભા ચૂંટણી અમારું લક્ષ્ય નથી. અમારું લક્ષ્ય તો દેશ છે.
કેજરીવાલે કહ્યું કે, અમે અમારી કરિયર છોડીને રાજકારણમાં આવ્યા છીએ, કરિયર બનાવીને નહીં. અમે ભારત માતા માટે રાજકારણમાં આવ્યા છીએ. અમે સત્તા મેળવવા નહીં પરંતુ દેશને બચાવવા આવ્યા છીએ. તેમણે કહ્યું કે, હું ભગવાન પાસે માત્ર બે જ વસ્તુઓ માંગું છું, મારું ભારત વિશ્વનો નંબર વન દેશ બને. અને જ્યાં સુધી હું ભારતને વિશ્વનો નંબર વન દેશ ના બનાવું ત્યાં સુધી ભગવાન મને મૃત્યુ ન આપે. હું રાજકારણ નથી જાણતો માત્ર કામ કરવામાં જ માનું છું.
અરવિંદ કેજરીવાલે વધુમાં કહ્યું કે, અમને ચોરી, ભ્રષ્ટાચાર, દંગા, ગુંડાગરી આવડતી નથી. પરંતુ શાળાઓ અને હોસ્પિટલો કેવી રીતે બનાવવી તે જાણીએ છીએ. મહારાષ્ટ્રનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે મહારાષ્ટ્રમાં સરકારી શાળાઓની હાલત ખૂબ જ ખરાબ છે, પહેલા દિલ્હીમાં પણ આવું જ હતું, પરંતુ હવે પરિસ્થિતિ બદલાઈ ગઈ છે. ધોરણ ૧૨માં સરકારી શાળાઓનું પરિણામ ૯૭ ટકા આવ્યું છે.
૪ લાખ બાળકો ખાનગી શાળામાંથી સરકારી શાળામાં આવ્યા છે. સરકારી શાળાનું જુનું બિલ્ડીંગ તોડીને આલીશાન બિલ્ડીંગ બનાવી, સરકારી શાળામાં સ્વિમીંગ પુલ, લીફટ, ખાનગી શાળા જેવી તમામ સુવિધાઓ પુરી પાડી છે.
એટલુ જ નહીં કેજરીવાલે એમ પણ કહ્યું કે દિલ્હીમાં સરકારી હોસ્પિટલોની હાલત ખરાબ છે. હવે અમે દિલ્હીની હોસ્પિટલોને અદ્ભુત બનાવી દીધી છે. ત્યાં ૩ સ્તરની તબીબી સુવિધાઓ છે. મોહલ્લા ક્લિનિક્સ, પોલી ક્લિનિક્સ, સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલો છે. આજે દિલ્હીમાં લોકો મોટી ખાનગી હોસ્પિટલોમાં જતા નથી, તેઓ સરકારી હોસ્પિટલોમાં આવે છે.HS