ભારત સબમરિનમાંથી લોન્ચ કરી શકાય તેવા ન્યુક્લિયર મિસાઈલનુ પરિક્ષણ કરશે
નવી દિલ્હી, સબમરિનની અંદરથી મિસાઈલ લોન્ચ કરવા માટેનુ વધુ એક પરિક્ષણ ભારત કરવા જઈ રહ્યુ છે. ભારતે પોતાની પરમાણુ સબમરિન અરહિંત પરથી લોન્ચ કરી શકાય તેવા પરમાણુ મિસાઈલ ડેવલપ કરવાની કવાયત હાથ ધરી છે. ડો.અબ્દુલ કલામના નામ પરથી આ મિસાઈલને કે-4 નામ અપાયુ છે. જેની રેન્જ 700 થી માંડીને 3500 કિલોમીટરની હશે.
આ મિસાઈલનુ વધુ એક પરીક્ષણ આંધ્રપ્રદેશના દરિયાકાંઠેથી કરાશે. જેમાં મિસાઈલને પાણીમાંથી જ લોન્ચ કરવામાં આવશે. આ મિસાઈલ ભારત દ્વારા સ્વદેશી ધોરણે વિકસીત કરવામાં આવી રહ્યુ છે. એક વખત મિસાઈલ તમામ પરીક્ષણોમાંથી પાર ઉતરશે તે પછી તેને ભારતની પરમાણુ સબમરિનમાં ગોઠવવામાં આવશે. ભવિષ્યમાં ભારતની તમામ ન્યુક્લિયર સબમરિનમાં કે 4 મિસાઈલ સિસ્ટમ તૈનાત કરાશે. મિસાઈલના પરીક્ષણ માટે પાણીની અંદર એક ખાસ પ્લેટફોર્મ તૈયાર કરવામાં આવ્યુ છે. ભારત 3500 કિમી અને 700 કિમીની રેન્જવાળી બે મિસાઈલ ડેવલપ કરી રહ્યુ છે.
જોકે હજી સ્પષ્ટ નથી કે, શુક્રવારે જે મિસાઈલ ટેસ્ટ કરાશે તેની રેન્જ કેટલા કિલોમીટર હશે. આમ તો આ મિસાઈલનુ પરીક્ષણ ગયા મહિને જ થવાનુ હતુ પણ કેટલાક કારણોસર તેને ટાળી દેવાયુ હતુ. આગામી દિવસોમાં ભારત દ્વારા અગ્નિ-3 અને બ્રહ્મોસ મિસાઈલનુ પરિક્ષણ પણ થવાનુ છે.