ભારત સરકારે આંતરરાષ્ટ્રીય ફ્લાઇટો પરનો પ્રતિબંધ 31 જાન્યુઆરી સુધી વધાર્યો
નવી દિલ્હી, ભારત સરકારે આંતરરાષ્ટ્રીય ફ્લાઇટો ઉપરનો પ્રતિબંધ એક મહિનો એટલે કે 31 જાન્યુઆરી 2021 સિધી વધારી દીધો છે. સરાકરે આ નિર્ણય કોરોનાના નવા સ્ટ્રેનના જોખમને ધ્યાનમાં લઇને કર્યો છે. જો કે આ પ્રતિબંધ સ્પેશિયલ ફ્લાઇટ અને આંતરરાષ્ટ્રીય કાર્ગો વિમાનોને લાગુ નહીં થાય. જ્યારથી બ્રિટનમાં કોરોના વાયરસનો નવો સ્ટ્રેન મળ્યો છે ત્યારથી દુનિયના વિવિધ દેશોએ બ્રિટન ઉપર હવાઇ પ્રતિબંધો લગાવ્યા હતા. જેમાં ભારત પણ સામેલ હતું. ત્યારે હવે આંતરરાષ્ટ્રીય ફ્લાઇટો ઉપરનો પ્રતિબંધ પણ વધારવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે કોરોનાનો નવો સ્ટ્રેન ભારતમાં પણ પ્રવેશી ચુક્યો છે. આ સિવાય દુનિયાના અન્ય દેશોમાં પણ કોરોનાનો આ નવો સ્ટ્રેન પહોંચ્યો છે. આ સ્ટ્રેન પહેલા કરતા ઘણો વધારે જોખમી અને અનેક ગણો ચેપી છે. ત્યારે સાવચેતીના ભાગરુપે ભારત સરકારે આંતરરાષ્ટ્રીય હવાઇ યાત્રા ઉપરના પ્રતિબંધને વધાર્યો છે.
ભારત સરકારે પહેલા જ બ્રિટનથી આવતા-જતા વિમાનો ઉપર સાત જાન્યુઆરી સુધીનો પ્રતિબંધ મુક્યો છે. આ પહેલા સરકારે બ્રિટન અને ભારત વચ્ચેની વિમાન સેવા ઉપર 23 ડિસેમ્બરથી 31 ડિસેમ્બર સુધી રોક લગાવી હતી. ત્યારબાદ ફરી વખત સરકારે પ્રતિબંધો વધાર્યા છે. આ નવા પ્રતિબંધો વિશેની જાણકારી દેશના નાગરિક ઉડ્ડયન મંત્રી હરદિપ સિંહ પુરીએ આપી છે.