ભારત સરકારે ટિ્વટરને મોટો આંચકો આપ્યો
ટિ્વટર પર કાનૂની સંરક્ષણ ખતમ, હવે કાર્યવાહી થશે -૨૫મી મેથી લાગૂ થયેલા નવા આઈટી નિયમોનું ટિ્વટર તરફથી અનુપાલન હજુ સુધી ન થતાં પગલાં લેવામાં આવ્યા
નવી દિલ્હી, નવા આઈટી નિયમોનું પાલન નહીં કરવું એ માઈક્રોબ્લોગિંગ સાઈટ ટિ્વટરને ભારે પડી ગયું છે અને હવે તેણે કાનૂની કાર્યવાહીનો સામનો કરવા તૈયાર રહેવું પડશે. સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ ટિ્વટરનું કાનૂની સંરક્ષણ ખતમ થઈ ગયું છે અને હવે તેણે કાયદાકીય કાર્યવાહીનો સામનો કરવો પડશે.
ટિ્વટર તરફથી ૨૫મી મેથી લાગૂ થયેલા નવા આઈટી નિયમોનું અનુપાલન હજુ સુધી થયું નથી. જેને લઈને સરકાર તરફથી આ એક્શન લેવાયું છે. હવે ટિ્વટર વિરુદ્ધ આઈપીસીની કલમો હેઠળ કેસ દાખલ થઈ શકે છે અને પોલીસ પૂછપરછ પણ કરી શકે છે.
ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદ સ્થિત લોનીમાં મુસ્લિમ વૃદ્ધની પીટાઈના કેસને સાંપ્રદાયિક રંગ આપવાના આરોપમાં પોલીસે ટિ્વટર અને અન્ય ૮ લોકો વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરી છે. જેમના પર ધાર્મિક ભાવનાને ભડકાવવાનો આરોપ લાગ્યો છે. વાત જાણે એમ છે કે સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે
જેમાં એક મુસ્લિમ વૃદ્ધને કેટલાક યુવકો પીટાઈ કરી રહ્યા છે. આ વીડિયો અંગે એવો દાવો કરાયો હતો કે મુસ્લિમ હોવાના કારણે વૃદ્ધની પીટાઈ કરાઈ છે. પરંતુ પોલીસ તપાસમાં એ જાણવા મળ્યું કે બે પરિવારોની અંગત અદાવતનો મામલો છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ કરીને તેને સાંપ્રદાયિક રંગ આપવાનો પ્રયત્ન થઈ રહ્યો છે.