ભારત સરકાર એર ઇન્ડિયાની મદદ કરવાની સ્થિતિમાં નથી : હરદીપસિંહ પુરી

નવી દિલ્હી : ભારતના કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી હરદીપસિંહ પુરીએ પ્રેસ કોન્ફરન્સ કરીને વંદે ભારત મિશન વિશે વિસ્તારથી જાણકારી આપી હતી. તેમણે જણાવ્યું કે આ મિશન અંતર્ગત 2 લાખ 80 હજાર ભારતીયોને સ્વદેશ પાછા લાવવામાં આવ્યા છે. સ્વદેશ પાછા આવનારમાં મોટી સંખ્યામાં પશ્ચિમ એશિયામાં રહેલા ભારતીયો છે. યૂએઈમાંથી મોટી સંખ્યામાં લોકો પરત ફર્યા છે. જ્યારે અમેરિકાથી અત્યાર સુધી ત્રીસ હજાર લોકો પરત ફર્યા છે. નાગરિક ઉડ્ડયન મંત્રીએ એ પણ જણાવ્યું કે ભારત સરકાર એર ઇન્ડિયાની મદદ કરવાની સ્થિતિમાં નથી. ઉલ્લેખનીય છે કે બુધવારે ખબર આવી હતી કે એર ઇન્ડિયા બોર્ડ પોતાના કર્મચારીઓને પાંચ વર્ષ સુધી લાંબી રજા પર મોકલવાની જોગવાઈ કરી રહ્યું છે.
આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ ફરીથી શરુ કરવા પર પુરીએ કહ્યું કે કેટલાક દેશો સાથે રૂટને લઈને વાતચીત ફાઇનલ થઈ ચૂકી છે. જ્યારે કેટલાક અન્ય દેશો સાથે વાતચીત ચાલું છે. ઉલ્લેખનીય છે કે ભારતે બધી આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ પર હાલના સમયે પ્રતિબંધ લગાવી રાખ્યો છે. જેને લઈને યૂએઈ અને અમેરિકા જેવા દેશો નારાજગી પણ વ્યક્ત કરી ચૂક્યા છે. પુરીએ કહ્યું હતું કે જ્યાં સુધી આંતરરાષ્ટ્રીય નાગરિક ઉડ્ડયન કોવિડ-19થી પહેલા જેવી સ્થિતિમાં ના આવી ત્યાં સુધી એર બબલ્સ દ્વારા જ બે દેશો વચ્ચે યાત્રાનો વિકલ્પ યોગ્ય છે.