ભારત સરકાર મોદી મિત્ર કેન્દ્રિત છે : રાહુલનો કટાક્ષ

નવીદિલ્હી: કેન્દ્રમાં ભાજપ સરકાર આવી ત્યારથી જ ખોટ ખાતી સરકારી સંસ્થાઓનું ખાનગીકરણ કરવામાં આવી રહ્યું છે. આ અંતર્ગત રેલવેએ આવી ઘણી ટ્રેનોનું સંચાલન શરૂ કર્યું, જેની સંપૂર્ણ જવાબદારી ખાનગી કંપનીઓની છે. આ સિવાય એર ઇન્ડિયા સહિત અનેક સંસ્થાઓનાં ખાનગીકરણની પ્રક્રિયા પણ ઝડપથી ચાલી રહી છે. જેના માટે મોદી સરકાર હંમેશા વિપક્ષનાં નિશાના પર હોય છે. હવે કોંગ્રેસનાં પૂર્વ અધ્યક્ષ અને સાંસદ રાહુલ ગાંધીએ પણ ખાનગીકરણને લઈને સરકારને ઘેરી લીધી છે.
રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને લખ્યું છે કે, ભારત સરકાર ‘મોદી મિત્ર કેન્દ્રિત’ છે, પરંતુ તેમની ખાનગીકરણ યોજના ગરીબોને મદદ કરશે નહીં. જાે કોઈ યોજના ગરીબ લોકોને મદદ કરી શકે છે, તો તે ‘ન્યાય’ છે. અગાઉ એક બીજા ટ્વીટમાં તેમણે પૂછ્યું કે ભારત સરકારનું સૌથી કાર્યક્ષમ મંત્રાલય કયું છે? આ પછી, તેમણે જવાબ આપ્યો અને લખ્યું કે તે એક ગુપ્ત મંત્રાલય છે, જે જૂઠ્ઠાણા અને ફાલતુ અથવા ખોખલા નારા તૈયાર કરે છે.
આપને જણાવી દઈએ કે, ન્યૂનતમ આવક સપોર્ટ યોજનાએ એટલે કે ન્યાય કોંગ્રેસનો ડ્રીમ પ્રોજેક્ટ છે. રાહુલ ગાંધીએ ૨૦૧૯ ની ચૂંટણીમાં વચન આપ્યું હતું કે, જાે તેમની સરકાર બને છે, તો તેઓ આ યોજના અમલમાં મૂકશે, પરંતુ તે થયું નહીં. આ યોજના અંતર્ગત દરેક ગરીબ પરિવારની માસિક આવક રૂપિયા ૧૨ હજાર સુધી પહોંચવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો હતો. ઉદાહરણ તરીકે, જાે કોઈની આવક ૫૦૦૦ હોય, તો કોંગ્રેસની સરકાર બને તો તેને ૭૦૦૦ રૂપિયા આપવામાં આવશે. હાલમાં રાજીવ ગાંધી કિસાન ન્યાય યોજના ૨૧ મી મે ૨૦૨૦ થી છત્તીસગઢમાં શરૂ થઈ છે.