ભારત સહિત મિત્ર રાષ્ટ્રોને સસ્તામાં ક્રૂડ ઓઈલ વેચવા રશિયા તૈયાર
મોસ્કો, યુક્રેન પર આક્રમણ કરીને રશિયા ભારે આર્થિક ભીંસમાં આવી ગયું છે. અમેરિકા અને યુરોપીયન દેશોએ રશિયા પર આકરા આર્થિક પ્રતિબંધો ઝીંક્યા પછી રશિયાની આર્થિક સ્થિતિ એટલી ખરાબ છે કે તે મિત્ર દેશોને સસ્તામાં ક્રૂડ ઓઈલ વેચવા તૈયાર છે.
તાજેતરમાં જ રશિયન પ્રમુખ વ્લાદિમિર પુતિને ભારતને તગડા ડિસ્કાઉન્ટ ભાવે જાેઈએ તેટલું ક્રૂડ ઓઈલ આપવાની ઓફર કરી છે. બીજા દેશો રશિયન ઓઈલ ખરીદતા ખચકાઈ રહ્યા છે તેથી રશિયાએ ભારતને બેરલ દીઠ ૩૫ ડોલરનું ભારે ડિસ્કાઉન્ટ ઓફર કર્યું છે.
સમગ્ર એશિયામાં ચીન પછી ભારત સૌથી વધુ ક્રૂડ ઓઈલની આયાત કરે છે. હાલમાં આંતરરાષ્ટ્રીય બજારમાં ઓઈલના ભાવ વધ્યા છે ત્યારે ભારત ઇન્ટરનેશનલ પ્રતિબંધોની પરવા કર્યા વગર નીચા ભાવે રશિયન ઓઈલ મેળવી રહ્યું છે. અત્યારે ભારત અને ચીન એ રશિયન ઓઈલના સૌથી મોટા ખરીદદાર છે. કેટલાક અહેવાલો પ્રમાણે રશિયાએ યુદ્ધ પહેલાના ભાવ સામે પણ ઉંચું ડિસ્કાઉન્ટ ઓફર કર્યું હતું.
તેથી અત્યારના ભાવને ધ્યાનમાં રાખવામાં આવે તો ભારતને ઘણા ઓછા ભાવે ઓઈલની ઓફર કરવામાં આવી છે. હાલમાં ભારત અને રશિયા વચ્ચે વાટાઘાટ ચાલુ છે. રશિયા ઇચ્છે છે કે ભારત તેની પાસેથી ઓછામાં ઓછા ૧.૫ કરોડ બેરલ ઓઈલની ખરીદી કરે.
આર્થિક પ્રતિબંધોને કારણે રશિયાને અત્યારે ડોલરમાં ચુકવણી થઈ શકે તેમ નથી. તેથી રશિયાએ રુપિયા રૂબલના ચલણમાં પેમેન્ટ સ્વીકારવા ઓફર કરી છે. તેના કારણે ભારતને ઘણો વધારે ફાયદો થઈ શકે છે. આ અંગે હજુ કોઈ ર્નિણય લેવાયો નથી.
રશિયાના વિદેશમંત્રી ગુરુવારે ભારતની બે દિવસની મુલાકાતે આવ્યા છે, તે દરમિયાન ભારત કોઈ ર્નિણય લેશે તેમ માનવામાં આવે છે.
આગામી દિવસોમાં ભારત સરકારની કંપની આઈઓસી દ્વારા રશિયાની રોઝનેફ્ટ પીજેએસસી પાસેથી ઓઈલ ખરીદવામાં આવે તેવી શક્યતા છે.
જાેકે, રશિયા જે ગ્રેડનું ઓઈલ ઓફર કરે છે તે ઉચ્ચ ક્વોલિટીનું નથી, તેથી ભારત મર્યાદિત પ્રમાણમાં ઓઈલ ખરીદે તેવી શક્યતા છે. ભારત અને રશિયા વચ્ચે એવા કરાર છે જે મુજબ ભારત પોતાને આર્થિક રીતે ફાયદાકારક હોય ત્યારે જ રશિયાનું ઓઈલ ખરીદશે. યુક્રેન પર રશિયાના હુમલા બાદ ભારતે રશિયા તરફ સોફ્ટ વલણ અપનાવ્યું છે અને તેની આકરી ટીકા કરવાનું ટાળ્યું છે.SSS