ભારત સામે વનડે સિરીઝ માટે આફ્રિકાની ટીમ જાહેર: ડિ કોક વનડે ટીમમાં સામેલ

નવીદિલ્હી, ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે ૧૯ જાન્યુઆરીથી શરૂ થનારી વનડે સિરીઝ માટે યજમાન આફ્રિકાએ ટીમની જાહેરાત કરી દીધી છે. યુવા ફાસ્ટ બોલર માર્કો જેનસનને વનડે ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. જેનસને હજુ સુધી વનડે આંતરરાષ્ટ્રીય મેચ રમી નથી.
જેનસને સેન્ચુરિયન ટેસ્ટમાં પર્દાપણ કર્યુ હતું. ટીમનું નેતૃત્વ ટેમ્બા બાવુમા કરશે. વનડે સિરીઝ માટે આફ્રિકાએ ૧૭ સભ્યોની ટીમની જાહેરાત કરી છે. કેશવ મહારાજ વાઇસ કેપ્ટન હશે.
સેન્ચુરિયન ટેસ્ટમાં આફ્રિકાની હાર બાદ અચાનક ટેસ્ટ ક્રિકેટથી નિવૃતિ લેનારા ૨૯ વર્ષીય ડિ કોકને પણ વનડે ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. ફાસ્ટ બોલર એનરિક નોર્ત્જે ઈજાને કારણે ટીમમાં જગ્યા બનાવી શક્યો નથી. ડ્વેન પ્રિટોરિયસની પણ ટીમમાં વાપસી થઈ છે. વેન પાર્નેલ અને ઝુબૈર હમઝા પણ ટીમમાં છે. તેને નેધરલેન્ડ સામે વનડે સિરીઝ માટે ટીમમાં તક આપવામાં આવી હતી.
હમઝાએ નેધરલેન્ડ વિરુદ્ધ પર્દાપણ કર્યુ હતુ. ત્રણ મેચોની ટેસ્ટ સિરીઝ બાદ વનડે સિરીઝ રમાશે. ટેસ્ટ સિરીઝમાં આ સમયે ટીમ ઈન્ડિયા ૧-૦થી આગળ ચાલી રહી છે. બીજી ટેસ્ટ કાલથી જાેહનિસબર્ગમાં રમાશે. ત્રણ વનડે મેચ પાર્લ અને કેપટાઉનમાં ૧૯, ૨૧ અને ૨૩ જાન્યુઆરીએ રમાશે.
ભારત વિરુદ્ધ વનડે સિરીઝ માટે આફ્રિકાની ટીમ
ટેમ્બા બાવુમા (કેપ્ટન), ક્વિન્ટન ડિકોક, જુબૈર હમઝા, કેશવ મહારાજ, એડન માર્કરમ, ડેવિડ મિલર, વેન પાર્નેલ, જાનેમૈન મલાન, સિસાંડા મગાલા, લુંગી એનગિડી, એન્ડિલે ફેહલુકવાયો, ડ્વેન પ્રિટોરિયસ, કગિસો રબાડા, રૈસી વાન ડેર ડુસેન, તબરેઝ શમ્સી, માર્કો જેનસન, કાયલે વેરેને.HS