ભારત સ્થિત બ્રિટીશ હાઇકમિશનર એલેકસ એસિસે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલની મુલાકાત લીધી

ગાંધીનગર, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલની સૌજન્ય મુલાકાત ભારત સ્થિત બ્રિટીશ હાઇકમિશનર શ્રી એલેકસ એસીસ અને ડેપ્યુટી હાઇકમિશનર પીટર કૂકે ગાંધીનગરમાં લીધી હતી.
બ્રિટીશ હાઇકમિશનરે ગુજરાતી સમુદાયોએ ડાયસપોરાએ બ્રિટીશ-યુ.કે ના વેપાર-વણજ ક્ષેત્રે મેળવેલી સિદ્ધિઓ અને યોગદાનની સરાહના કરતાં ગુજરાત-યુ.કે વચ્ચેના સંબંધોનો સેતુ વધુ સુદ્રઢ બનાવવાની હિમાયત કરી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે બ્રિટીશ હાઇકમિશનર સાથેની વાતચીતમાં કહ્યું કે, ભારત સરકારે યુ.કે સાથે સિકયુરિટી, ડિફેન્સ, હેલ્થકેર સહિતના ક્ષેત્રોમાં ૧૦ વર્ષીય સહભાગીતાના રોડમેપ કંડારતા જે એમ.ઓ.યુ કર્યા છે તેમાં ગુજરાત કઇ રીતે યોગદાન આપી શકે તે અંગે તેઓ પણ વિસ્તૃત અભ્યાસ, વિચારણા કરશે.
ભૂપેન્દ્રભાઇ પટેલે બ્રિટીશ હાઇકમિશનરશ્રીને ગુજરાત સોલાર એનર્જી સેકટરમાં અગ્રણી રાજ્ય છે તેની ભૂમિકા આપતાં જણાવ્યું કે, બ્રિટીશ કંપનીઓ કલીન એનર્જી, ગ્રીન મોબિલીટી, ગ્રીન મેન્યૂફેકચરીંગને પ્રોત્સાહન આપવા માટે ગ્રીન ટેકનોલોજી સોલ્યુશન્સ અને કલાયમેટ ફાઇનાન્સીંગમાં ભાગીદારી કરી શકે.
ભૂપેન્દ્રભાઇ પટેલે એમ પણ જણાવ્યું કે ઉચ્ચ અભ્યાસ માટે યુ.કે હંમેશા ગુજરાતના વિદ્યાર્થીઓ માટે પસંદગીનું સ્થળ રહ્યું છે. એટલું જ નહિ, ગુજરાત-યુ.કે ની યુનિવર્સિટીઓ, શિક્ષણ સંસ્થાઓ, ટેકનોલોજી, ટુરિઝમ, મેનેજમેન્ટ, આર્ટિફિશ્યલ ઇન્ટેલીજન્સના ક્ષેત્રોમાં અભ્યાસક્રમોની પરસ્પર સહભાગીતા પણ કરી શકે તેવી સંભાવનાઓ છે. મુખ્યમંત્રીએ વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સરદાર સાહેબના ‘‘સ્ટેચ્યુ ઓફ યુનિટિ’’ની વિશેષતાઓ બ્રિટીશ હાઇકમિશનર સમક્ષ વર્ણવી હતી.
આ સંદર્ભમાં તેમણે ઉમેર્યુ કે, ટ્રાયબલ આદિજાતિ વિસ્તારમાં સર્વગ્રાહી વિકાસના પ્રધાનમંત્રીના આગવા વિઝનનો ખ્યાલ આ સ્ટેચ્યુ ઓફ યુનિટિ પરિસરની વિકાસગાથા નિહાળવાથી મળી શકે.
ભૂપેન્દ્રભાઇ પટેલે આ વિરાટત્તમ પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટિ પરિસરની મુલાકાત લેવા બ્રિટીશ હાઇકમિશનરને અનુરોધ કરતાં સૌના સાથ, સૌના વિકાસના મંત્રથી આર્ત્મનિભરતા સાથે ગ્લોબલી કેવો વિકાસ સાધી શકાય તે પણ અવશ્ય જાણવાનો અનુરોધ કર્યો હતો. મુખ્યમંત્રીશ્રીએ આગામી વાયબ્રન્ટ સમિટ-ર૦રર માં યુ.કે ના ઉચ્ચસ્તરીય ડેલિગેશનને જાેડાવાનું નિમંત્રણ પાઠવ્યું હતું.
બ્રિટીશ હાઇકમિશનર એલેકસ એસિસે પણ મુખ્યમંત્રીશ્રીની યુ.કે ની મુલાકાતે આવવાનું ભાવભર્યુ આમંત્રણ આપ્યું હતું. મુખ્યમંત્રીએ બ્રિટીશ હાઇકમિશનરને સરદાર સાહેબની વિશ્વની ઊંચામાં ઊંચી પ્રતિમા ‘‘સ્ટેચ્યુ ઓફ યુનિટિ’’ની પ્રતિકૃતિ અને સમગ્ર સ્ટેચ્યુ ઓફ યુનિટિ પરિસરની વિશેષતાઓ, પ્રવાસન સૌંદર્યનું નિરૂપણ કરતી પુસ્તિકા સ્મૃતિ ભેટ રૂપે અર્પણ કરી હતી. આ શુભેચ્છા મુલાકાત વેળાએ મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ શ્રી કૈલાસનાથન, ઊદ્યોગ વિભાગના અધિક મુખ્ય સચિવ ડૉ. રાજીવકુમાર ગુપ્તા તેમજ મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ પંકજ જાેષી પણ જાેડાયા હતા.HS