ભારત RCEPમાં સામેલ નહી થાય, ઘરેલૂ ઉદ્યોગના હિતોને લઈને નિર્ણય લેવાયો
નવી દિલ્હી, ભારતે રિઝનલ કોમ્પ્રિહંસિવ ઈકોનોમિક પાર્ટનરશિપ(RCEP)માં સામેલ નહી થવાનો નિર્ણય કર્યો છે. વડાપ્રધાન મોદીએ કહ્યું કે, RCEP હેઠળ કોર હિતો પર કોઈ સમાધાન નહી થાય. ભારતનું કહેવું છે કે, RCEP સમજૂતિ તેના મૂળ ઉદ્દેશ્યને દર્શાવી રહ્યો નથી અને તેના પરિણામો સંતુલિત અને યોગ્ય નથી. ભારતે આ સમજૂતિમાં કેટલીક નવી માંગ રાખી હતી. ભારતનું કહેવું હતું કે, આ સમજૂતિમાં ચીનનું પ્રભુત્વ હોવું જોઈએ નહી, નહી તો તેનાથી ભારતને વ્યાપારિક નુંકસાન વધશે.
બેંકોક યાત્રા પર જતા પહેલા નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, RCEP બેઠકમાં ભારત તે વાત પર ધ્યાન આપશે કે શું વ્યાપાર, સેવાઓ અને રોકાણમાં તેમની ચિંતાઓ અને હિતોને ધ્યાનમાં રાખવામાં આવ્યું છે કે નહી. બધું યોગ્ય રીતે જાણ્યા સમજ્યા પછી જ તેના પર વિચાર કરવામાં આવશે. આ સમજૂતિને લઈને ઉદ્યોગ જગતે પણ ચિંતા વ્યક્ત કરી હતી. ઉદ્યોગ જગતનું કહેવું હતું કે, આયાત ડ્યૂટી ઓછી કરવાથી કે પૂર્ણ કરવાથી વિદેશમાંથી મોટી માત્રામાં સામાન ભારત આવશે અને તેનાથી દેશના ઘરેલૂ ઉદ્યોગને ઘણું નુકસાન થશે. અમૂલ ડેરીએ પણ આ સમજૂતેને લઈને ડેરી ઉદ્યોગને લઈને ચિંતા વ્યક્ત કરી હતી.
નોંધનીય છે કે, RCEP એક ટ્રેડ એગ્રીમેન્ટ છે જે સભ્ય દેશોને એક બીજા સાથે વેપારમાં સહયોગ આપે છે. એગ્રીમેન્ટ હેઠળ સભ્ય દેશોએ આયાત અને નિકાસ પર લાગતા ટેક્સ નહી ભરવો પડે અથવા ખૂબ ઓછો ભરવો પડે છે. RCEPમાં 10 આસિયાન દેશો સિવાય ભારત, ચીન, જાપાન, સાઉથ કોરિયા, ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝિલેન્ડ પણ સામેલ છે.