ભારે ચોમાસાથી નુકશાન પામેલા જિલ્લાના રસ્તાઓની મરામત હાથ ધરવામાં આવી

જીલ્લામાં ૧૩૫ કિલોમીટરથી વધુ લંબાઈના રસ્તા સુધારવામાં આવ્યા |
વડોદરા: જિલ્લા કલેક્ટર શ્રીમતી શાલિની અગ્રવાલે તાજેતરમાં માર્ગ અને મકાન વિભાગના અધિક્ષક ઈજનેર તેમજ ઇજનેરી અધિકારીઓ સાથે બેઠક યોજીને તાજેતરના અતિ ભારે વરસાદ થી નુકશાન પામેલા જિલ્લાના રસ્તાઓનું તાત્કાલિક સમારકામ હાથ ધરવા તાકીદ કરી હતી. તેના અનુસંધાને માર્ગ અને મકાન વિભાગે યુદ્ધના ધોરણે રસ્તાઓનું સમારકામ હાથ ધર્યું હતું.
આ અંગે કાર્યપાલક ઇજનેરશ્રી રમેશ દેલવાડિયાએ જણાવ્યું કે વડોદરા જિલ્લામાં ૭૨ કિમીનો રાજ્ય ધોરીમાર્ગ, મુખ્ય જિલ્લા માર્ગ અને અન્ય જિલ્લા કક્ષાના રસ્તાઓ સહિત કુલ ૧૦૪૨.૯૫ કિમીના રસ્તાઓ છે. આ તમામનું નિરીક્ષણ હાથ ધરવામાં આવતા કુલ ૩૩ રસ્તાઓ પર ૧૩૫.૩૫ કિમીના રસ્તાઓને નુકશાન પહોંચ્યાંનું જણાયું હતું.
તેને અનુલક્ષીને સાત દિવસમાં અસરગ્રસ્ત રસ્તાઓને ડામરિકરણ સહિત જરૂરી સમારકામ ચાલુ કરવામાં આવ્યું હતું. ક્ષતિગ્રસ્ત પૈકી ૪૮.૪૦ કિમીના રસ્તા ફ્રી મેન્ટેનન્સ ગેરંટી પિરિયડ હેઠળના હોવાથી સંબંધિત ઇજારદારોના માધ્યમ થી સુધારણા કરવામાં આવી. જ્યારે બાકીના ૮૬.૯૫ કિમિ નુક્શાનગ્રસ્ત માર્ગોને ખાતા દ્વારા સુધારીને માર્ગ પરિવહન માટે સુગમ્ય બનાવવામાં આવ્યા છે. આમ, ચોમાસા થી નુકશાન પામેલા જિલ્લાના રસ્તાઓને ડામર સપાટીની સુધારણા કરીને વાહન વ્યવહારને અનુકૂળ બનાવવામાં આવ્યા છે.