ભારે તણાવમાં એક શખ્સે પોતાના જ પરિવારનાં ૫ સભ્યોની હત્યા કરી
પટણા, બિહારનાં મુંગેર જિલ્લામાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં એક વ્યક્તિએ પોતાના જ પરિવારનાં ૫ સભ્યોની હત્યા કરી દીધી હતી. આ વ્યક્તિએ માતા, પત્ની અને ત્રણ પુત્રીનું ગળું દબાવી હત્યા કરી હતી. આ પછી તે પોતે ઘરની છત પરથી કૂદી ગયો હતો. જો કે, આ ઘટનામાં તે ખરાબ રીતે ઘાયલ થયો હતો. હાલમાં તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. માહિતી મળ્યા બાદ પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ છે અને આ કેસની તપાસ હાથ ધરી છે.
પ્રાથમિક માહિતી મુજબ, આ ઘટના મુંગેર જિલ્લાનાં હવેલી ખડગપુર પોલીસ સ્ટેશન વિસ્તારનાં કન્હૈયા ટોલા જૂની પોસ્ટ ઓફિસની છે. અહીં ૫૦ વર્ષિય ભારત કેસરી પિતા વાસુદેવ કેશારી ઘડિયાળની દુકાન ચલાવતા હતા. એવું કહેવામાં આવી રહ્યું છે કે તે લાંબા સમયથી ડિપ્રેશનમાં હતો. જેના કારણે તેણે રાત્રે ડિપ્રેશનમાં આવીને તેની પત્ની અને વૃદ્ધ માતા અને તેની ત્રણ પુત્રીઓનું ગળુ દબાવીને હત્યા કરી હતી. હત્યા કર્યા પછી તે છત પરથી કૂદીને પોતાને પણ મારી નાખવા માંગતો હતો. આ ઘટનાનાં સંદર્ભમાં સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે, ભારત કેસરી તણાવમાં હતો. ઘરનાં દરેક સભ્યોની હત્યા કર્યા બાદ, તે પોતાને મારવા માટે તેના ઘરની ચાર માળની છત પરથી કૂદી ગયો હતો. પરંતુ તે કૂદીને ગંભીર રીતે ઘાયલ થયો હતો. તેને સ્થાનિક લોકો દ્વારા હવેલી ખડગપુર પીએચસીમાં દાખલ કરવામાં આવ્યો હતો. હાલ પોલીસે આ કેસની તપાસ શરૂ કરી છે.