ભારે દબાણ પગલે WHOના નિષ્ણાતોની તપાસ માટે જશે
બેઇંજિગ: ચીનના વુહાનમાંથી પેદા થયેલો કોરોના વાયરસ મહામારી બનીને દુનિયામાં લાખો લોકોનો ભોગ લઇ ચૂક્યો છે ત્યારે વિશ્વ સ્વાસ્થ સંગઠનના નિષ્ણાંતોની ટીમ ચીન જશે અને એ તપાસ કરશે કે આ મહામારીની શરુઆત કેવી રીતે થઇ. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના નિષ્ણાંતો આગામી બે દિવસમાં બેઇજિંગમાં રહી તપાસની તૈયારીઓ કરશે. તેઓ ખાસ તપાસ માટે ગયા છે કે કોરોના વાયરસ પશુમાંથી મનુષ્યમાં કેવી રીતે પ્રવેશ થયો હતો. જોકે, વિજ્ઞાનીઓનું માનવું છે કે, આ વાયરસની શરુઆત ચામાચિડીયાથી થઇ હતી, જે કેટલાક પશુઓ થકી મનુષ્યો સુધી પહોંચી હતી.
મહામારીના ઉદભવ અને ફેલાવાને લીધે ચીન સતત દુનિયાના દેશોને નિશાને છે અને ૧૨૦ દેશોની માંગને લીધે વિશ્વ સ્વાસ્થ સંગઠનને પણ મજબૂર બની જાહેરાત કરવી પડી હતી કે તે વાયરસના ઉદભવને લઇને તે એક નિષ્ણાંતોની ટીમ ચીન મોકલશે. દુનિયાભરમાં મહામારી ફેલાવાની શરુઆતમાં જ ડબ્લ્યુએચઓ પર આરોપ લાગ્યા હતા કે મહામારી મુદ્દે તે ચીનને બચાવી રહ્યુ છે અને તેને સાથ આપી રહ્યુ છે. આ જ કારણસર તાજેતરમાં અમેરિકાએ ડબ્લ્યુએચઓથી સત્તાવાર રીતે અલગ થયું છે. વિશ્વમાં કોરોનાના ચેપના કેસો સવા કરોડથી વધી ગયા છે જ્યારે સાડા પાંચ લાખથી વધુ લોકો આ બીમારીમાં માર્યા ગયા છે. અમેરિકા, બ્રાઝિલ અને ભારત એવા ત્રણ દેશ છે જ્યાંથી રોજના કુલ એક લાખથી વધારે કેસ સામે આવી રહ્યા છે.