Western Times News

Gujarati News

ભારે રોમાંચકતા બાદ ભારત-ન્યૂઝીલેન્ડ પ્રથમ ટેસ્ટ મેચ ડ્રો

કાનપુર, ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે કાનપુરમાં રમાયેલી પ્રથમ ટેસ્ટ ક્રિકેટ મેચ ડ્રો રહી છે. જાેકે, આ મેચ અંતિમ બોલ સુધી રોમાંચક બની રહી હતી જેમાં એજાઝ પટેલ અને રચિન રવિન્દ્ર અંતિમ ઓવર્સમાં ભારતીય સ્પિનર્સની ઘાતક બોલિંગનો મક્કમતાથી સામનો કરીને ટીમ ઈન્ડિયાને વિજયથી વંચિત રાખી હતી. અગાઉ રવિન્દ્ર જાડેજા અને રવિચંદ્રન અશ્વિને તરખાટ મચાવીને ભારતને વિજયની નજીક લાવી દીધું હતું.

ભારતે ન્યૂઝીલેન્ડ સામે ૨૮૪ રનનો લક્ષ્યાંક મૂક્યો હતો. ન્યૂઝીલેન્ડના ટોપ ઓર્ડરે ટીમ ઈન્ડિયાને વળતી લડત આપી હતી પરંતુ જાડેજા અને અશ્વિનની ઘાતક બોલિંગ સામે ન્યૂઝીલેન્ડના બેટ્‌સમેનો વધારે સમય ટકી શક્યા ન હતા.

એક પછી એક વિકેટ પડી જતા ભારત વિજયની નજીક આવી ગયુ હતું પરંતુ અંતિમ વિકેટ ન લઈ શકતા ટીમને ડ્રોથી સંતોષ માનવો પડ્યો હતો. ૨૮૪ રનના ટાર્ગેટ સામે ન્યૂઝીલેન્ડે ૯ વિકેટે ૧૬૫ રન નોંધાવ્યા હતા.

૨૮૪ રનના ટાર્ગેટ સામે ન્યૂઝીલેન્ડે ચોથા દિવસના અંત સુધીમાં એક વિકેટ ગુમાવી દીધી હતી. જાેકે, બાદમાં ટોમ લાથમ, વિલિયમ સમરવિલે અને સુકાની કેન વિલિયમ્સનને લડત આપી હતી.

ટોમ લાથમે બીજા દાવમાં પણ શાનદાર બેટિંગ કરતા અડધી સદી ફટકારી હતી. તેણે ૧૪૬ બોલમાં ત્રણ ચોગ્ગાની મદદથી ૫૨ રન ફટકાર્યા હતા. જ્યારે સમરવિલેએ ૩૬ રનનું યોગદાન આપ્યું હતું.

વિલિયમ્સન સેટ થવામાં સફળ રહ્યો હતો પરંતુ મોટી ઈનિંગ્સ રમી શક્યો ન હતો. તે ૧૧૨ બોલમાં ૨૪ રન નોંધાવીને આઉટ થયો હતો. જ્યારે ઓપનર વિલ યંગ બે રન નોંધાવીને આઉટ થયો હતો.

પાંચમાં દિવસે ભારતીય સ્પિન જાેડી અશ્વિન અને જાડેજાએ તરખાટ મચાવી દીધો હતો. અશ્વિને બંને ઓપનરને પોતાના શિકાર બનાવ્યા હતા. ત્યરાબાદ જાડેજાએ વિલિયમ્સન અને રોસ ટેલર જેવા અનુભવી જાેખમી બેટ્‌સમેનોને પેવેલિયન ભેગા કરીને ભારતને મહત્વની સફળતા અપાવી હતી.

આ ઉપરાંત અંતિમ ઓવર્સમાં કાયલે જેમિસન અને ટિમ સાઉધીએ સંઘર્ષ કર્યો હતો પરંતુ જાડેજાએ તે બંનેને આઉટ કરીને ભારત વિજય તરફ દોરી ગયો હતો. પરંતુ એજાઝ પટેલ અને રચિન રવિન્દ્રએ ભારતને સફળ થવા દીધું ન હતું. જાડેજાએ ચાર અને અશ્વિને ત્રણ વિકેટ ઝડપી હતી. જ્યારે અક્ષર પટેલ અને ઉમેશ યાદવને એક-એક સફળતા મળી હતી.

ન્યૂઝીલેન્ડના બીજા દાવની ૯૦મી ઓવરમાં રવિન્દ્ર જાડેજાએ ટિમ સાઉધીને એલબીડબલ્યુ આઉટ કરીને ભારતને નવમી સફળતા અપાવી હતી. ત્યારબાદ ક્રિઝ પર એજાઝ પટેલ અને રચિન રવિન્દ્ર હતા અને ભારતને આગામી ૮ ઓવરમાં ફક્ત એક જ વિકેટની જરૂર હતી.

જાડેજા અને અશ્વિનની બોલિંગ જાેતાં ભારતને વિજય હાથ વેંતમાં જ લાગી રહ્યો હતો. જાેકે, એજાઝ અને રચિને ભારતીય બોલર્સનો મક્કમતાથી સામનો કર્યો હતો અને ટીમને પરાજયમાંથી ઉગારી લીધી હતી. એજાઝે ૨૩ બોલમાં અણનમ બે રન નોંધાવ્યા હતા જ્યારે રચિને ૯૧ બોલનો સામનો કર્યો હતો જેમાં તેણે અણનમ ૧૮ રન નોંધાવ્યા હતા.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.