ભારે વરસાદથી ચેન્નાઈમાં રેડ એલર્ટ, પુડુચેરીમાં શાળાઓ બંધ
ચેન્નાઈ, દક્ષિણ ભારતના રાજ્યો તમિલનાડુ અને આંધ્રપ્રદેશ સહિત કેન્દ્રશાસિત પ્રદેશ પુડુચેરીમાં ભારે વરસાદને કારણે સ્થિતિ વણસી રહી છે. હવામાન વિભાગના ડીજીજીએમ ડો.એસ.બાલચંદ્રને જણાવ્યું હતું કે આજે તમિલનાડુના પુડુક્કોટ્ટાઈ, રમંથાપુરમ, કરાઇકાલ અને કુડ્ડાલોર, વિલ્લુપુરમ, શિવગંગા, સામંથાપુરમ, જિલ્લાઓ માટે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે.
ઉપરાંત આંધ્રપ્રદેશમાં વરસાદનું સંકટ વધુ ઘેરું થવાની સંભાવના છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ આવતીકાલે અને પરમ દિવસે ભારે વરસાદ પડી શકે છે. તેથી જ દક્ષિણ આંધ્રપ્રદેશ, તમિલનાડુને અડીને આવેલા દરિયાકિનારા પર માછીમારોને બે દિવસની ચેતવણી જારી કરવામાં આવી છે.
તમિલનાડુમાં રાજધાની ચેન્નાઈ સહિત અનેક વિસ્તારોમાં છેલ્લા બે દિવસથી ભારે વરસાદ પડી રહ્યો છે. રાજ્યમાં વરસાદ સંબંધિત ઘટનાઓમાં મૃત્યુઆંક વધીને પાંચ થયો છે. દરમિયાન લગભગ ૬૦ મકાનોને નુકસાન થયું હોવાના અહેવાલ છે.
ભારતીય હવામાન વિભાગે માહિતી આપી છે કે રાજ્યમાં આગામી ત્રણ દિવસ ભારે વરસાદ પડવાની સંભાવના છે. ભારે વરસાદ, પૂર અને ભારે પાણી ભરાવાની સ્થિતિને ધ્યાનમાં રાખીને એનડીઆરએફની ટીમો તૈનાત છે. આઈએમડીએ રાજ્યના ૧૪ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ જારી કર્યા છે.
રાજધાની ચેન્નાઈ સહિત આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદને કારણે વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. રાજ્યમાં વધારાનું પાણી કાઢવા માટે પુન્ડી, ચેમ્બરામબક્કમ અને પુઝલ એમ ત્રણ જળાશયોના દરવાજા ખોલવામાં આવ્યા છે. વિભાગે જણાવ્યું હતું કે આગામી ૨૪ કલાક દરમિયાન બંગાળની દક્ષિણપૂર્વ ખાડી અને આસપાસના વિસ્તારોમાં લો પ્રેશર વિસ્તારો બનવાની સંભાવના છે. તે ૧૧ નવેમ્બરની સવાર સુધીમાં ઉત્તર તમિલનાડુના દરિયાકાંઠે પહોંચવાની અને રાજ્યના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ થવાની સંભાવના છે.
ચેન્નાઈમાં મોટાભાગના રસ્તાઓ અને શેરીઓમાં પાણી ભરાઈ રહ્યું છે. નીચાણવાળા વિસ્તારોમાં બે ફૂટ સુધી પાણી ભરાઈ ગયા હતા. તેનાથી ટ્રાફિકને પણ અસર થઈ હતી. સુરક્ષાને ધ્યાનમાં રાખીને અનેક મહોલ્લાઓમાં વીજ પુરવઠો સ્થગિત કરવામાં આવ્યો છે. પૂરગ્રસ્ત પોલીસ સ્ટેશનને કામચલાઉ ઇમારતમાં ફેરવવું પડ્યું હતું.HS