ભાવનગરના ભાજપના વધુ એક નેતાની નારાજગી સપાટીએ
અમદાવાદ: રાજ્યમાં વહીવટી તંત્રથી ધારાસભ્યોની નારાજગીનો સીલસીલો શરૂ થયો છે. પહેલા કેતન ઈનામદાર, પછી મધુ શ્રીવાસ્તવ બાદ હવે ભાજપના વધુ એક આગેવાન નેતાની તંત્ર સામે નારાજગી સામે આવી છે. પૂર્વ ગૃહમંત્રી મહેન્દ્રભાઈ ત્રિવેદીએ કંસારા પ્રોજેકટ અંગે તંત્ર સામે નારાજગી વ્યક્ત કરી છે. પોતાના કાર્યકાળ સમયે કંસારા શુદ્ધિકરણ પ્રોજેકટ હાથ ધરાયો હતો.
પરંતુ આ પ્રોજેક્ટમાં આજદિન સુધી કોઈ સંતોષજનક કામ નથી કરાયું. ત્યારે અધિકારીઓની ઢીલી નીતિને કારણે કામ અટક્યું હોવાના આક્ષેપ સાથે તેમણે ભાવનગર મનપા કમિશ્નર અને જીપીસીબી સામે કોર્ટમાં ફરિયાદ નોંધાવી છે. જેને લઇ હવે ભાજપ માટે એક નવો વિવાદ સામે આવ્યો છે. ભાવનગરના વિકાસ માટે જરૂરી કહી શકાય તેવા કંસારા શુÂધ્ધકરણ પ્રોજેક્ટનું કામ વર્ષોથી ખોરંભાયેલું છે.
આ પ્રોજેક્ટ માટે તેઓએ પોતાના ગ્રાન્ટમાંથી રૂપિયા ફાળવ્યા હતા. અને આ પ્રોજેક્ટ માટે તેઓએ ઘણી મહેનત કરી હતી. ભાવનગરના કમિશનર અને મેયર તથા અધિકારીઓ સામે તેઓએ કામગીરી નહી કર્યાનો આરોપ મૂક્યો છે. પોતાના નારાજગી અંગે મહેન્દ્ર ત્રિવેદીએ જણાવ્યું કે, ૨૦૦૨-૦૩માં અભિયાન શરૂ કરાયું હતું. મારી ગ્રાન્ટના રૂપિયા પાંચ વર્ષ સુધી મેં ફાળવ્યા હતા. ૨૦૦૭માં ટર્મ પૂરી થયા બાદ અનેકવાર મેં આ પ્રોજેક્ટ પૂરો કરવા માટે રજૂઆત કરી હતી.
સાબરમતી રિવરફ્રન્ટ પ્રોજેક્ટનો જન્મ પણ નહોતો થયો, ત્યારે અમલમાં મુકાયેલા કંસારા પ્રોજેક્ટનું કામ નહી થવાનું એક કારણ એ છે કે, આ કામનું યશ મને મળશે તેથી બહાનાથી કામ અટકાવાય છે. પરંતુ મને આ મામલામાં જરા પણ રસ નથી. બ્યુટીફિકેશન માટે દરેક શહેરને રકમ ફાળવવામાં આવી છે. આજી નદી, તાપી નદી, સાબરમતી નદી, વિશ્વામિત્રી નદી પર જો બ્યુટીફિકેશન થઈ રહ્યું છે, તો પછી ભાવનગરમાં કેમ ના થાય. તેમણે કહ્યું કે, આ કામ માટે તંત્ર અને અધિકારીઓ દ્વારા કોઈ પ્રાથમિકતા અપાઈ નથી.
આ કામ લાંબા ગાળાના ફાયદા માટે હતું. હાલ વડાપ્રધાને સ્વચ્છતા અભિયાન ઉઠાવ્યું છે, ત્યારે કંસારા નદી શુÂધ્ધકરણ સ્વચ્છતાનો પ્રોજેક્ટ હોવા છતાં તંત્રને આ કામની અગત્યતા સમજાતી નથી. કંસારા પ્રોજેક્ટ ભાવનગરનો મહત્વનો પ્રોજેક્ટ ગણાય છે. ભાવનગરમાં આવેલી કંસારા નદીમાં કચરો ઠલવાય છે. ત્યારે આ નદીની ગંદકી સાફ કરીને તેનુ શુદ્ધિકરણ કરતો આ પ્રોજેક્ટ છે.
તેમજ નદી પર શુદ્ધ કરી રિવરફ્રન્ટ જેવી સુવિધા ઉભી કરવાનો પ્લાન હતો, પરંતુ હજુ સુધી પ્રોજેક્ટને કોઈ ઓપ આપવામાં નથી આવ્યો. પ્રોજેક્ટનો નક્શો તૈયાર કરાયો હતો, તેની સામે હજી પણ ધ્યાન અપાયુ નથી. આ નદીનુ શુદ્ધિકરણ કરીને રિવરફ્રન્ટ કરાવવાની વાત દરેક ચૂંટણીમાં કરવામાં આવે છે, તેમ છતા વર્ષોથી આ પ્રોજેક્ટ અટકેલો છે.