ભાવનગરમાં જિતુ વાઘાણીએ બંને હાથમાં તલવાર લઈ કરતબ બતાવ્યાં
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/11/Jitu-Vaghani-1024x768.jpg)
રાજ્યના કેબિનેટ શિક્ષણમંત્રી જિતુ વાઘાણી તલવારબાજી કરતા હોય એવો વીડિયો વાઇરલ થયો છે. ભાવનગર જિલ્લાના સિહોર નજીકનું નાના સુરકા ગામ જિતુભાઈનું વતન છે. રવિવારે માદરે વતનમાં તેમનો સન્માન સમારોહ યોજાયો હતો. આ પ્રસંગે શિક્ષણમંત્રીએ બંને હાથમાં તલવાર લઈ કરતબ બતાવ્યાં હતાં.
મંત્રી બન્યા બાદ દિવાળીના તહેવારોમાં વતનમાં પધારેલા શિક્ષણમંત્રી જિતુભાઈ વાઘાણી અને તેમના પરિવારનું ગ્રામજનોએ ભવ્ય સ્વાગત કર્યું હતું. મંત્રી તેમના વતન નાના સુરકા ખાતે પહોંચતાં ગ્રામજનોએ પોતાના પનોતા પુત્રને જાજરમાન આવકાર આપી આવકાર્યા હતા.
મંત્રી પણ વડીલોના આશીર્વાદ તેમજ સાથીઓને ભેટી પડ્યા હતા, જ્યારે બાળાઓ દ્વારા કુમકુમ તિલક સાથે મીઠો આવકાર આપ્યો હતો. પ્રથમ મંત્રીએ મંદિરમાં જઈ મહંતના આશીર્વાદ મેળવ્યા હતા તેમજ વડીલોએ પાઘડી પહેરાવી શણગારેલા બળદગાડામાં ગામમાં ફેરવી ભવ્ય આવકાર આપ્યો હતો, જેમાં તેમની સાથે તેમના મોટા ભાઈ ગિરીશભાઈ-ધારાસભ્ય કેશુભાઈ નાકરાણી તેમજ સંતો-મહંતો જોડાયા હતા.
ગામના પનોતા પુત્રને આવકારવા ગ્રામજનો દ્વારા એક સત્કાર સમારંભ પણ યોજાયો હતો, જેમાં ઉદ્યોગપતિઓ, જિલ્લાના વરિષ્ઠ અધિકારીઓ તેમજ ગ્રામજનો જોડાયાં હતાં અને ફૂલહાર-પુષ્પગુચ્છ,મોમેન્ટો, શાલ ઓઢાડી તેમનું સન્માન કરાયું હતું. મંત્રીએ પણ વતનને પોતાની મા સમાન અને પરિવાર સમાન ગણાવ્યું હતું અને આ સન્માન તેમના ગામનું છે-પરિવારનું છે એમ તેમણે જણાવ્યું હતું.