ભાવનગરમાં ડમ્પરે બાઈકને ટક્કર મારતા ટ્રાફિક કર્મીના પત્નિ-પુત્રનું મોત
અમદાવાદ: ભાવનગર જિલ્લામાં સિહોરથી ભાવનગર ખરીદી કરવા આવેલો ટ્રાફિક પોલીસમેન જીતેન્દ્રભાઇ ચૌહાણનો પરિવાર ખરીદી કરી સિહોર પરત ફરતો હતા ત્યારે ચિત્રા પ્રેસ ક્વાટર રોડ પાસે ડમ્પર ચાલકે તેને અડફેટે લેતા બાઇકમાં પાછળ બેઠેલા તેમની પત્ની હિરલબેન (ઉ.વ.૨૫) તથા પુત્ર દર્શન (૧૦ માસ) ફંગોળાઇ જતા તેને ગંભીર ઇજા થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા. પરંતુ સારવાર દરમ્યાન માતા-પુત્રના કરૂણ મોત નીપજયા હતા. બનાવને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી જવાની સાથે અરેરાટીની લાગણી પ્રસરી ગઇ હતી.
ખાસ કરીને ટ્રાફિક પોલીસમેન જીતેન્દ્રભાઇ અને તેમની પત્નીને લગ્નજીવનના આઠ વર્ષ બાદ પુત્રનો જન્મ થયો હતો અને દસ મહિનાનો માસૂમ પુત્ર પણ અકસ્માતમાં ભોગ બનતાં પરિવારમાં શોકનો માતમ છવાયો હતો. બીજીબાજુ, આરોપી ડમ્પરચાલક અકસ્માત સર્જયા બાદ ઘટનાસ્તળેથી ફરાર થઇ ગયો હતો, તેથી પોલીસે તેને પકડવાના ચક્રો ગતિમાન કર્યા હતા. આ બનાવ અંગે ડી ડીવીઝન પોલીસે મૃતકની પી.એમ સહિતની કાર્યવાહી કરી અકસ્માત કરી નાસી જનાર ટ્રક ચાલક સામે ગુનો નોંધી તેને ઝડપી લેવાના ચક્રો ગતિમાન કર્યા હતા.
આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ, સિહોરમાં સ્વસ્તીક સોસાયટી-૨, ગેસ્ટ હાઉસ સામે રહેતા અને સિહોર ટ્રાફીક બ્રિગેડમાં નોકરી કરતા જીતેન્દ્રભાઇ મુકેશભાઇ ચૌહાણ તેની પત્ની હિરલબેન (ઉ.વ.૨૫) તથા પુત્ર દર્શન (૧૦ માસ) સાથે ભાવનગર ખરીદી કરવા આવ્યા હતા. ખરીદી કરી તે સિહોર પરત જતા હતા ત્યારે પ્રેસ ક્વાટર પાસે પાછળથી બેફીકરાઇથી અને પૂરઝડપે આવી રહેલ ટ્રક નંબર જીજે-૦૯-એક્સ-૭૪૧૦એ તેને અડફેટે લઇ ત્યાંથી નાસી ગયો હતો. ડમ્પરની જારદાર ટક્કરથી બાઇક પર સવાર જીતેન્દ્રભાઇ તથા તેના પત્ની હિરલબહેન અને દસ મહિનાનો પુત્ર દર્શન રોડ પર ફંગોળાઇ ગયા હતા.
પત્ની હિરલબહેન બેભાન હાલતે રોડ પર પડ્યા હતા જ્યારે તેના પુત્ર દર્શનને માથાના ભાગે ગંભીર ઇજા થતા જીતેન્દ્રભાઇ તેને રિક્ષામાં સારવાર અર્થે હોસ્પિટલ લઇ ગયા હતા અને તેમના પત્નીને ૧૦૮ મારફતે હોસ્પિટલ ખસેડાયા હતા. પરંતુ ફરજ પરના તબીબે બન્ને માતા-પુત્રને મૃત જાહેર કર્યા હતા. સ્થાનિક લોકોમાં અક્સ્માતને લઇ ભારે અરેરાટીની લાગણી પ્રસરી હતી અને એવી પણ વાત ચર્ચાતી હતી કે, જીતેન્દ્રભાઇએ લગ્ન જીવનના ૮ વર્ષ બાદ પુત્ર થવા પામ્યો હતો અને અકસ્માતમાં તે પુત્ર તથા તેની પત્ની મૃત્યુ પામતા જીતેન્દ્રભાઇ તથા તેના પરિવારમાં શોકનો માતમ છવાઇ ગયો હતો. ખાસ કરીને સ્થાનિક પોલીસ બેડામાં પણ શોકની લાગણી પ્રસરી ગઇ હતી.