ભાવનગરમાં પાર્ટી બાદ મિત્રએ જ યુવકની હત્યા કરી
ભાવનગર: ભાવનગરમાં યુવાનના જન્મદિવસે જ ખૂની ખેલ ખેલાયો હતો, જે યુવાનનો જન્મદિવસ હતો તેની જ હત્યા કરી દેવામાં આવી હતી. જન્મદિવસ મનાવવા આવેલ મિત્રએ જ મિત્રનું ખૂન કરી નાખ્યું હતું. શહેરના પ્રભુદાસ તળાવ વિસ્તારના ગોપાલ ઉર્ફ ડોંગરની તેના જન્મદિવસે તેના જ મિત્ર વિશાલ ગોહેલએ હત્યા કરી દેતા ચકચાર મચી હતી. મિત્રો સાથે પાર્ટી ચાલુ હતી તે દરમ્યાન વિશાલે કોઈ વાતે ઉશ્કેરાઈ ગોપાલની હત્યા કરી હતી. ગંગાજળિયા પોલીસે હત્યારા મિત્રને ગણતરીના દિવસોમાં ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરી છે.
શહેરના પ્રભુદાસ તળાવ વિસ્તારમાં રહેતા ગોપાલ ઉર્ફ ડોંગર જીતુભાઈ રાઠોડનો જન્મ દિવસ હતો, શહેરની મેઈન બજાર બંધ હોવાથી ખારર્ગેટ નજીક ધોબી ગલીમાં આવેલ ચકુ મહેતાની શેરીમાં આવેલા પોતાના જૂના મકાનમા ૧૦ થી ૧૨ મિત્રો સાથે ગોપાલે પાર્ટીનું આયોજન કર્યું હતું. તમામ મિત્રો પાર્ટી કરી રહ્યા હતા તે દરમ્યાન શહેરના પાનવાડી વિસ્તારમાં રહેતા વિશાલ ગોહેલ નામના મિત્ર સાથે કોઈ વાતે ઝઘડો થયો હતો, જે ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતાં વિશાલે ઉશ્કેરાઈ જઈને ગોપાલ ઉર્ફે ડોંગર ઉપર હુમલો કરી દીધો હતો,
કોઈ કંઈ સમજે એ પહેલા જ પોતાની પાસે રહેલા તીક્ષ્ણ હથિયારના ઉપરાછાપરી ઘા ઝીંકી દેતા ગોપાલનું સ્થળ પર જ મોત નિપજ્યું હતુ. ગોપાલ ઉર્ફે ડોંગરેએ તેનો જન્મદિવસ ઉજવવા તેના ૮ થી ૧૦ મિત્રોને શહેરની મેઈન બજારમાં આવેલા પોતાના બંધ રહેતા જૂના મકાનમાં બોલાવ્યા હતા, જ્યાં તમામ મિત્રોએ ગોપાલ ડોંગરનાં જન્મદિવસની ઉજવણી કરી હતી. પાર્ટી બાદ કેટલાક મિત્રો પરત ઘરે જતા રહ્યા હતા.
જ્યારે કેટલાક મિત્રોએ ગોપાલ સાથે પાર્ટી ચાલુ રાખી હતી, તે દરમ્યાન વિશાલ ગોહેલ અને ગોપાલ વચ્ચે કોઈ વાતે ઝઘડો થયો હતો, અને એ ઝઘડાને લઈને ઉશ્કેરાયેલા વિશાલે ગોપાલ પર છરી વડે હુમલો કરી દીધો હતો. વિશાલે ગોપાલના શરીર પર આડેધડ ૩૩ જેટલા છરીના ઘા ઝીંકી દેતા ગોપાલ સ્થળ પર જ ઢળી પડ્યો હતો, અને હત્યા કર્યા બાદ વિશાલ ત્યાંથી ફરાર થઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં ડીવાયએસપી એમ.એ.સૈયદ સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને હત્યા મામલે આરોપીને ઝડપી લેવા તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા.