ભાવનગરમાં રેલવે ફાટક ખોલવા ખેડૂતો અને રેલવે તંત્ર વચ્ચે ઘર્ષણ, લાઠીચાર્જ કરાયો
ભાવનગર: ભાવનગર જિલ્લાનાં સિહોર નજીકના ખારી ગામે રેલવેટ્રેક નીચેના ૧૩ નંબરના ફાટકનું અંડર ગ્રાઉન્ડ નાળુ વરસાદી માહોલમાં કીચડ અને પાણીથી ભરાય જાય છે. પાંચ ગામોના ખેડૂતો કે જેની ૨૫૦ એકર કરતા વધુ જમીનો ટ્રેકને બીજે પાર છે. જેથી આ ગામોના લોકોએ રેલવે ફાટક ખુલ્લું કરવા અથવા આજુબાજુના ફાટક પરથી અવરજવર માટે રસ્તાની માંગ કરી હતી. આ મુદ્દે આજે રેલવેતંત્ર અને ગ્રામજનો વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું. જેમાં રેલવે પોલીસે લાઠીચાર્જ કરતા પરિસ્થિતિ તંગ બની હતી. જેને લઈ સિહોર પોલીસ કાફલો ઘટના સ્થળે પહોચ્યો હતો.
સિહોરના ખારી સહિતના પાંચ ગામના લોકોને પોતાના ખેતરે જવા માટે રેલવે ટ્રેક પરથી પસાર થવું પડે છે. રાજાશાહી સમયનો આ રસ્તો એટલે કે હાલનું આ ૧૩ નંબરનું ફાટક કે જેને રેલવે તંત્રએ બંધ કરી અને અંડર ગ્રાઉન્ડ નાળુ બનાવ્યું હતું. આ નાળુ સાંકડું અને મોટો ઢાળ હોઈ ખેડૂતોને પોતાના ગાડામાં નિરણ સહિતનો જથ્થો લઈને અવરજવર કરવામાં મુશ્કેલી પડે છે.
જ્યારે હાલ આ નાળામાં ચોમાસાને લઈ ભારે પાણી ભરાઈ જાય છે. ત્યાંથી ખેડૂતો પોતાના ખેતરે જઇ શકતા નથી.
આ ટ્રેકની બીજે પાર ૨૫૦ એકર જેટલી ખેડૂતોની જમીન હોય અને હાલ ચોમાસામાં ખેતી કાર્ય પૂરજાેશમાં શરૂ હોઈ અને વરસાદી પાણી નાળામાં ભરાઈને કીચડ જામી જતા પાંચ ગામોના લોકોને પોતાના ખેતરોમાં અવરજવર માટે ભારે મુશ્કેલી પડી રહી છે.
તેથી ખેડૂતોએ આજુબાજુના ફાટક પરથી જવા આવવા માટેની મંજૂરીની માંગ કરી છે. અથવા હાલનો રેલવે ટ્રેક પરનો ઉપરનો રસ્તો અવરજવર માટે ખુલ્લો કરવાની કરવાની માંગ સાથે આજે મોટી સંખ્યામાં ખેડૂતો એકઠા થયા હતા. જેને પગલે રેલવેના અધિકારીઓ રેલવે પોલીસના કાફલા સાથે ત્યાં ઉપસ્થિત રહ્યા હતા.
ગ્રામજનો દ્વારા ફાટક ખુલ્લું કરવાની પ્રબળ માંગ કરતા રેલવે તંત્ર અને ગ્રામજનો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી અને તંત્ર દ્વારા લાઠીચાર્જ પણ કરવામાં આવ્યો હતો. જેને લઈ પરિસ્થિતિ વણસી હતી. જ્યારે સમગ્ર મામલાની જાણ થતાં સિહોર પોલીસ પણ ત્યાં પહોંચી હતી. જ્યારે ખેડૂત અને જિલ્લા પંચાયત પ્રમુખ ભરતસિંહ પણ ત્યાં દોડી ગયા હતા અને મામલો થાળે પાડ્યો હતો. ત્યારે હવે ગામ લોકોની રેલવે તંત્ર આગળ શું ર્નિણય પર આવે છે તેની રાહ જાેઈ રહ્યાં છે. તંત્ર ખેડૂતોની વ્યથા સમજે એવી ગામલોકોની માંગ છે.