ભાવનગરમાં ૫૦થી વધુ સ્થળે જીએસટીના દરોડા
ભાવનગર: ભાવનગર શહેરમાં બોગસ બિલિંગ અંતર્ગત સ્થાનિક વિભાગને અંધારામાં રાખી સ્ટેટ જીએસટી વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. જીએસટી વિભાગના દરોડા દરમ્યાન બોગસ બિલિંગ સાથે સંકળાયેલા કેટલાક સ્થાનિક લોકોએ જીએસટીના અધિકારીઓને તમામ માહિતી આપી દેતા બોગસ બિલિંગ કરતા મોટા માથાઓ મુશ્કેલીમાં મુકાયા હતા, તેમજ અંડર ગ્રાઉન્ડ થઈ ગયા હતા. સાંઠગાંઠ કરી બોગસ બિલિંગ કરનાર બીજી ગેંગની માહિતી અધિકારીઓને આપી દેનાર વ્યક્તિ તરફ રોષ જાગ્યો છે. ત્યારે આગામી સમયમાં અમુદ્દે મારામારી કે ગેંગવોર થવાની પણ શક્યતાઓ દેખાઈ રહી છે.
ભાવનગરના કુંભારવાડા વિસ્તારના વીઆઇપી ડેલાઓમાં સ્ટેટ જીએસટી વિભાગની ટીમો દ્વારા વહેલી સવારથી શરૂ કરાયેલ કામગીરીના કારણે કુંભારવાડા, મોતી તળાવ, અને વીઆઇપીના ડેલાઓના વેપારીઓ એ પોતાના ધંધા રોજગાર બંધ જ રાખ્યા હતા અને એકપણ વેપારીએ તરફ દેખાયો ન હતો. જીએસટી વિભાગે આખો દિવસ આમથી તેમ ગાડીઓ દોડાવ્યે રાખી છતાં કોઈ ખાસ હાથ નહોતું લાગ્યું. ભાવનગરના કુંભારવાડા વિસ્તારમાં બોગસ બિલિંગના ચાલતા કાળા કારોબાર પકડવા સ્ટેટ જીએસટીની અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટની ટીમોના ૮૦ જેટલા કર્મચારીઓ ૩૦ જેટલા વાહનો સાથે ૫૦થી વધુ સ્થળો પર ત્રાટક્યા હતા, અને મોડી રાત્રી સુધી ઓપરેશન ચાલુ રાખ્યું હતું. દરોડા દરમ્યાન અધિકારીઓએ શહેરના નવાપરા વિસ્તારના બિચ્છું નામના શખ્સને ઝડપી લીધી હતો.
પરંતુ તે ટીમને અન્યની માહિતી આપવાના બહાના તળે અધિકારીઓ પાસેથી છટકી ગયો હતો. ત્યારે અધિકારીઓએ તેની જગ્યા પર તેના ભાઈને ઉઠાવી લીધો હતો. સ્ટેટ જીએસટી વિભાગની ટીમો વહેલી સવારે નદીમ અમિપરાને શોધવા પહોંચી ગઈ હતી. પરંતુ આ વાત લાઈક થઈ જતાં શહેરમાં બોગસ બિલિંગ અને ખોટી વેરા શાખા સાથે સંકળાયેલા વેપારીઓ ભૂગર્ભમાં ઉતરી ગયા હતા.
સ્ટેટ જીએસટી વિભાગની અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ ની ટીમ ભાવનગર માં ચાલતા બોગસ બિલિંગના કારોબારને ઝડપી લેવા દરોડામાં જાેડાઈ હતી. પરંતુ એ દરમ્યાન ભાવનગર ની જીએસટી વિભાગની ટીમને આ કાર્યવાહીથી દૂર જ રાખવામાં આવી હતી.
શહેરભરના બોગસ બિલિંગના કાળા કારોબાર પકડવા દિવસ દરમ્યાન ૬૦ જેટલા સ્થળો પર દરોડા પાડવામાં આવ્યા હતા. જેમાં નદીમ કુંજાણી, સોહિલ, બિચ્છું નવાપરા, અફઝલ દાડો, રહીમ, નિલેશ ભાણો, રોહિત ડોડીયા, હિરેન બોબડો, રમીઝ કોપર, કાદર હમઝા, સલીમ મેટલ, હનાન્ન કેસર, ઈમ્તિયાઝ બડે, અને સાલેમ કાળુ ને શોધવા કુંભારવાડા, મોતી તળાવ, વીઆઇપી, વાઘાવાડી રોડ, સાંઢીયાવાડ, ઇસ્કોન મેગા સિટી, મામસા, અમીપરા, આંબાચોક સહિતના વિસ્તારોમાં સતત પૂછપરછ હાથ ધરી હતી પરંતુ તમામ હાથતાળી આપી છટકી ગયા હતા. જ્યારે ટીમ ને નવાપરા વિસ્તારમાથી બિચ્છું નામનો શખ્સ હાથ લાગ્યો હતો પરંતુ એ અન્યની માહિતી આપવાના બહાને છટકી જતા જીએસટી વિભાગે તેના ભાઈ રહીમને ઉઠાવી લીધો હતો.