ભાવનગરમાં FB પર પોસ્ટ મામલે યુવકને રહેંસી નાંખ્યો

રાણો રાણાની રીતે…લખવુ યુવકને ભારે પડ્યું, પોસ્ટથી ખફા શખ્સોએ પાઈપના ફટકા મારીને યુવકની હત્યા કરી-મહુવાના કાટકડા ગામે શોકનો માહોલ-
ભાવનગર, ભાવનગરના મહુવા તાલુકાના કાટડકા ગામે એક યુવકની ર્નિદયી રીતે હત્યા કરવામા આવી છે. આ હત્યા એક ફેસબુક પોસ્ટને કારણે થઈ છે. ફેસબુક એકાઉન્ટ પર ‘રાણો રાણાની રીતે…’ લખવુ યુવકને ભારે પડ્યું હતું. તેની આ પોસ્ટથી નારાજ થયેલા શખ્સોએ પાઈપના ફટકા મારીને યુવકની ર્નિદયી રીતે હત્યા કરી છે.
મહુવાના કાટકડા ગામે રહેતો પ્રવીણ ગભાભાઈ ઢાપા (ઉંમર ૨૨ વર્ષ) ભાવનગરની કોલેજમાં અભ્યાસ કરે છે. એક દિવસ પહેલા તે સવારના રોજ પોતાના ગામમાં આવેલ વાડીએ જઈ રહ્યો હતો. ત્યારે અચાનક ત્યાં બે શખ્સો આવી ગયા હતા. બંને શખ્સો તેને ઉઠાવી ગયા હતા. બંને યુવકોએ તેને પાઈપના ફટકા મારીને અધમૂઓ કરી નાંખ્યો હતો.
સ્થાનિક લોકોને આ વિશેની જાણ થતા જ તેઓ તાત્કાલિક દોડી ગયા હતા અને પ્રવીણને હોસ્પિટલમાં લઈ જવાયો હતો. જ્યાં સારવાર દરમિયાન તેનુ મોત નિપજ્યું હતું.
યુવકના મોત બાદ પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. જેમાં માલૂમ પડ્યું કે, એક ફેસબુક વીડિયોને કારણે પ્રવીણની હત્યા કરવામાં આવી છે. પ્રવીણે થોડા દિવસ અગાઉ એક વીડિયો બનાવીને ફેસબુક પર મૂક્યો હતો. જેમાં તે ‘રાણો રાણાની રીતે’ એવુ કહી રહ્યો હતો. આ વીડિયો સાથે તેણે એક કોમેન્ડ પણ કરી હતી.
ત્યારે ગામના જ બે યુવકો મહિપત અને મેરામને પ્રવીણની આ હરકત ગમી ન હતી. તેથી તેઓએ પાઈપના ફટકા મારીને પ્રવીણને પતાવી દીધો હતો. ઘટનાની જાણ થતા દાઠા પોલીસ મથકનો કાફલો કાટકડા ગામ ત્યારબાદ ભાવનગર સર ટી. હોસ્પિટલ દોડી આવ્યો હતો અને ફરિયાદ નોંધાઈ હતી અને પોલીસે વધુ તપાસની તજવીજ હાથ ધરી છે.