ભાવનગર જીલ્લા કક્ષાની ૨૮મી નેશનલ ચિલ્ડ્રન સાયન્સ કોંગ્રેસ (NCSC)સ્પર્ધાની નોંધણી પ્રક્રિયા શરુ
ગુજરાત સરકારના વિજ્ઞાન વિભાગના પેટા વિભાગ ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેક્નોલોજી, ગાંધીનગર દ્વારા રાજ્યભરમાં લોક વિજ્ઞાન કેન્દ્રો સ્થાપિત કરવામાં આવ્યા છે. જે અંતર્ગત ભાવનગર જિલ્લામાં ગણિત, વિજ્ઞાન, ટેકનોલોજી અને ખગોળ વિજ્ઞાન વિગેરેનો સૈધાંતિક અને પ્રાયોગિક પ્રચાર-પ્રસાર દ્વારા લોક ભોગ્ય બનાવવા હેતુ કલ્યાણ ફાઉન્ડેશન ટ્રસ્ટ, ભાવનગર પ્રેરિત GUJCOST માન્ય કલ્યાણ પ્રાદેશિક લોક વિજ્ઞાન કેન્દ્ર, ભાવનગર વર્ષ ૨૦૦૨થી કાર્યરત છે.
ભારત દેશના પ્રત્યેક વિદ્યાર્થીઓમાં સંશોધન પ્રત્યે રૂચી કેળવાય તેવા હેતુથી છેલ્લા ૨૭ વર્ષથી કેન્દ્ર સરકારનાં વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ અને નેશનલ કાઉન્સિલ ફોર સાયન્સ એન્ડ ટેક્ન. કમ્યુનિકેશન (NCSTC) દ્વારા ‘રાષ્ટ્રીય બાળ વિજ્ઞાન પરિષદ’નું ચોક્કસ વિષયને કેન્દ્રસ્થાને રાખીને ૧૦ થી ૧૭ વય જૂથના વિદ્યાર્થીઓ માટે પ્રતિ વર્ષે રાષ્ટ્રીય બાળ વિજ્ઞાન પરિષદનું આયોજન કરવામાં આવે છે.
વર્ષ ૨૦૨૦ અને ૨૦૨૧ માટે ‘નિરંતર ટકાઉ જીવનનિર્વાહ માટે વિજ્ઞાન’ મુખ્ય વિષય અને ૧. ટકાઉ જીવન માટે ઇકો સિસ્ટમ, ૨. ટકાઉ જીવન માટે યોગ્ય તકનીક, ૩. ટકાઉ જીવન માટે સામાજિક નવીનતા, ૪. ટકાઉ જીવન માટે ડિઝાઇન, વિકાસ અને મોડેલિંગ, ૫. ટકાઉ જીવન માટે ટ્રેડિશનલ નોલેજ સિસ્ટમ (ટીકેએસ) જેવા પેટા વિષયો આધારિત સંશોધન કાર્ય થનાર છે. આ સંશોધન કાર્યમાં જોડવા માટે જીલ્લાની તમામ ઉચ્ચતર પ્રાથમિક, મધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના વિદ્યાર્થીઓને જોડવા જણાવ્યું છે.
આ રાષ્ટ્રીય બાળ વિજ્ઞાન પરિષદનું રાજ્ય કક્ષાનું સંકલન ગુજરાત રાજ્યમાં ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી (GUJCOST), ગાંધીનગર દ્વારા કરવામાં આવે છે. ભાવનગર જીલ્લામાં જીલ્લા કક્ષાનું સંકલન કલ્યાણ પ્રાદેશિક લોક વિજ્ઞાન કેન્દ્ર, ભાવનગર દ્વારા કરવામાં આવે છે.
આ જીલ્લા કક્ષાની રાષ્ટ્રીય બાળ વિજ્ઞાન પરિષદ કાર્યક્રમ અંતર્ગત લોક વિજ્ઞાન કેન્દ્ર, ભાવનગર દ્વારા ડિસેમ્બર મહિનાના છેલ્લા અઠવાડિયામાં જીલ્લા કક્ષાની સ્પર્ધાનું આયોજન યોજન થનાર છે. રાષ્ટ્રીય બાળ વિજ્ઞાન પરિષદમાં દરેક શાળાએ પોતાની નોંધણી www.krcscbhavnagar.org પર upcoming events માં આપેલા નિયમો અને માહિતી ધ્યાન પૂર્વક સમજીને તેમાં આપેલી લિંક પર ૧૫-૧૨-૨૦૨૦ સુધીમાં વિદ્યાર્થીના નામની નોધણી કરવાની રહેશે. વધુ માહિતી માટે કલ્યાણ પ્રાદેશિક લોક વિજ્ઞાન કેન્દ્ર, ભાવનગર ફોન : 8866570111 પર સંપર્ક કરી શકાશે.