ભાવનગર, જૂનાગઢ, અમરેલી જિલ્લામાં સૌથી વધુ અસર રહેશે
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/05/tauktae-1.jpg)
ગાંધીનગર, ગુજરાત પર તોળાઇ રહેલા તૌકતે વાવાઝોડાના સંકટ વચ્ચે મુખ્યમંત્રીએ તૈયારીઓ અંગેની સમીક્ષા કરી હતી. આ સમીક્ષા બેઠકમાં મુખ્ય સચિવ અનિલ મુકીમ અને પંકજ કુમાર સહિતનાં ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા. મુખ્યમંત્રીના અનુસાર હાલ વાવાઝોડું વેરાવળથી ૮૦ કિલોમીટર દુર છે.
પોરબંદર અને મહુવા વચ્ચેના દરિયા કિનારે આ વાવાઝોડુ ટકરાય તેવી શક્યતા છે. પવનની ગતિ ૧૫૦ કિલોમીટરની આસપાસ રહેવાની શક્યતા છે. આ વાવાઝોડામાં સૌથી વધારે અમરેલી, ભાવનગર અને જૂનાગઢ જિલ્લા પ્રભાવિત થશે. રાજકોટ જામનગર, મોરબી, બોટાદ અને આણંદથી વલસાડ સુધીનાં જિલ્લાઓ સામાન્ય પ્રભાવિત રહેશે.
ત્રણ દિવસથી સતત યુદ્ધનાં ધોરણે તૈયારીઓ ચાલી રહી છે. દરિયામાં ગયેલી તમામ બોટ પર આવી ગઇ છે. સંબંધિત સ્થળો પર લાંગરી દેવામાં આવી છે. એનડીઆરએફની કુલ ૪૪ ટીમો તહેનાત કરવામાં આવી છે. કોરોનાની સ્થિતિને ધ્યાને રાખીને કોવિડ હોસ્પિટલમાં લાઇટની વ્યવસ્થા ન ખોરવાય તે માટેની તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે.
ઓન વ્હીલ જેવી વ્યવસ્થા સ્ટેન્ડ ટુ રાખવામાં આવી છે. દરેક તાલુકા મથકમાં ફોરેસ્ટ અને જીઇબીની ટીમો તહેનાત કરવામાં આવી છે. આ ઉપરાંત હોર્ડિંગ પણ તમામ સ્થળોએથી ઉતારી લેવામાં આવ્યા છે. મુખ્યમંત્રીએ જણાવ્યું કે, હવામાન વિભાગનાં અનુસાર આ વાવાઝોડુ ગુજરાત પર ત્રાટકશે અને ત્યાંથી રાજસ્થાન તરફ જશે.
સવારે ગૃહમંત્રી અમિત શાહ સાથે પણ વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી ચર્ચા કરવામાં આવી છે. આ વાવાઝોડાને ૦ કેઝ્યુલ્ટીના એપ્રોચથી સરકારે તૈયારીઓ કરી છે. કોઇ જાનહાની ન થાય તે માટે અનેક ગામડાઓને સ્થળાંતરિત કરી દેવાયા છે.