ભાવનગર : દર્દીના મોતથી પરિવારે હોબાળો કરતા તબીબો હડતાળ પર ઉતરી ગયા
ભાવનગર: ભાવનગર શહેરની સિવિલ હોસ્પિટલમાં કોવિડ દર્દીનું મોત નિપજતા પરિવારજનોએ હોસ્પિટલમાં હોબાળો મચાવ્યો હતો. શહેરના કુંભારવાડા વિસ્તારના કોરોના પોઝિટિવ દર્દીને ૭ દિવસ પૂર્વે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. જ્યાં આઇસોલેશન વોર્ડમાં તેની સારવાર ચાલી રહી હતી. તે દરમિયાન આજે હોસ્પિટલ તંત્ર તરફથી દર્દીનું મોત થયાના સમાચાર મળતા પરિવાર હેબતાઈ ગયો હતો. જેમાં ડોક્ટરની બેદરકારીના કારણે મોત થયાનું જણાવી હોબાળો કર્યો હતો.
પ્રકાશ યાદવના પરિવારે તેઓની સાથે મોતના બે કલાક પહેલા જ વીડિયો કોલ કરી વાત કરી હતી. જેમાં દર્દીએ પોતે પોતાની તબિયત સારી હોવાનું જણાવ્યું હતું. ત્યારે હોસ્પિટલ દ્વારા તેઓના મોતના સમાચાર મળતા પરિવાર રોષે ભરાયો હતો. દર્દીના પરિવારે હોસ્પિટલમાં હોબાળો કરતા હોસ્પિટલમાં કોઈ જાતની સુરક્ષા ના હોવાનું બહાનું ધરી ડોકટરો અચાનક જ સ્ટ્રાઈક પર ઉતરી ગયા હતા. જ્યારે હોસ્પિટલ તંત્રને જાણ થતાં ડોક્ટરોને મનાવવાના પ્રયત્નો કર્યાં હતા. છતાં સ્ટ્રાઈક પર ઉતરી ગયેલા તમામ ડાૅક્ટરો કલેક્ટરની દરમ્યાનગીરી માટે જીદ પકડીને બેઠા હતા. તેઓએ એકસૂરે કહ્યું હતું કે, તંત્ર ડોક્ટરોને સુરક્ષાની લેખિત ગેરેન્ટી આપે. તેમજ કલેક્ટર ખુદ હોસ્પિટલ આવીને બહું સાંભળે પછી જ તેઓ સ્ટ્રાઈક સમાપ્ત કરશે.
ભાવનગર સિવિલ હોસ્પિટલમાં ડોક્ટરોની સ્ટ્રાઈક આખરે રાત્રે ૨ વાગે સંકેલાઈ હતી. સામાન્ય બાબતે જીદે ચડેલા ડોકટરો અચાનક સ્ટ્રાઈક પર ઉતર્યા હતા. પરંતુ સ્ટ્રાઈક થતા કોવિડ કેરના અનેક દર્દીઓ ડોક્ટર વગર પરેશાન થયા હતા. સ્ટ્રાઈક સંકેલીને તબીબોએ સુરક્ષા અને એડમિનિસ્ટ્રેટર વિભાગ પાસે અનેક માંગ કરાઈ છે. તો બીજી તરફ, પોલીસે વિભાગે સુરક્ષા વધારવા જવાબદારી લીધી હતી. પોલીસ વિભાગ, હોસ્પિટલ તંત્ર અને વહીવટી તંત્રની બેઠકમાં આ ર્નિણય લેવાયો હતો. હવે આજે એડમિનિસ્ટ્રેટર લેવલના પ્રશ્નોનું નિરાકરણ આવતા ફરજ તબીબો હાજર થશે. ત્યાં સુધી દર્દીઓની સારવાર આસિસ્ટન્ટ ડોકટરો કરશે તેવો ર્નિણય લેવાયો છે.