ભાવ વધતા-ઘરાકી ઘટતા જ્વેલર્સોએ કર્મચારીઓની છટણી શરૂ કરી

પ્રતિકાત્મક
(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: કોરોનાને કારણે બે મહિના લોકડાઉનમાં ધંધા-પાણી ઠપ્પ રહ્યા પછી અનલોક-૧ માં એક મહિનમાં ધરાકીનો અભાવ જાવા મળતા અનેક વેપારીઓએ કરકસરના ભાગરૂપે પોતાના કર્મચારીઓની છટણી કરવાની શરૂઆત કરી દીધી છે. મોટી મોટી કંપનીઓમાં પણ આવી સ્થિતિ જાવા મળી રહી છે. તો આઈટી કંપનીઓએ કર્મચારીઓના પગારમાં ૩૦ થી ૪૦ ટકા સુધીનો કાપ મુકી દીધો છે.
અમદાવાદના આશ્રમ રોડ, સી.જી.રોડ, શિવરંજની તથા શ્યામલ ચારરસ્તા જેવા વિસ્તારોમાં આવેલા મોટા મોટા સોના-ચાંદીના જ્વેલર્સોએ તો તેમના સ્ટાફની છણી કરવાની શરૂઆત કરી દીધી છે. જૂન મહિનામાં જ જ્વેલર્સોએ લગભગ ૭૦૦ થી ૮૦૦ જેટલા કર્મચારીઓને છૂટા કરી દીધા છે. સોનાના સતત વધતા જતાં ભાવ અને બીજી તરફ લોકોની આવક બે મહિના કરતા વધારે સમયથી ઠપ્પ થઈજતાં ખરીદ શક્તિમાં ઘટાડો થયો છે. તેથી અત્યારના ભાવે જ્વેલરીની ખરીદી અટકી ગઈ છે.
મોટા મોટા જ્વેલર્સ પણ હાલમાં મુશ્કેલી અનુભવી રહ્યા છે. પગાર, લાઈટબીલ, પ્રોપર્ટી ટેક્ષ, લોનના હપ્તા સહિતના અન્ય પરચુરણ ખર્ચા સહિતના મુદ્દે વેપારીઓ પર બોજા વધ્યો છે. સામે પક્ષે ધરાકી નહીં ખુલતા આવક ઘટી છે.
ખર્ચા તો એટલાં જ રહ્યા છે.
હજુ પણ આગામી સમયમાં વેચાણમાં સુધારાની અપેક્ષા નથી. તેથી અનેક જ્વેલર્સોએ કર્મચારીઓને છૂટા કરવાનું શરૂ કર્યુ છે. આશ્રમ રોડ, સી.જી.રોડ, શિવરંજની તથા શ્યામલ રોડ પર આવેલા નાના-મોટા શો-રૂમ દુકાનોમાં લગભગ ૧પ થી ર૦ હજારનો સ્ટાફ કામ કરે છે. તેમના પગાર ધોરણ ૧પ થી ર૦ હજાર સુધીના હોય છે. જ્વેલર્સોએ આવક નહીં થતાં તેમના કર્મચારીઓની છટણી શરૂ કરી દીધી છે.
બીજી તરફ રીટેલ શો-રૂમ બંધ રહ્યા હતા. જેના કારણે હોલસેલરો અને કારખાનેદારોની સ્થિતિ કફોડી બની છે. શહેરના રાયપુર, માંડવીની પોળ, માણેકચોક સહિતના વિસ્તારોમાં સોની બજાર સાથે૧ લાખ કરતા વધારે કારીગરો સંકળાયેલા છે. આ પૈકી મોટાભાગના કારીગરો વતન જતા રહ્યા છે. તેના કારણે કારખાનાઓ બંધ હાલતમાં છે. એવી જ રીતે જડતરની જ્વેલરીમાં કામ કરતા કારીગરો પાસે કોઈ જ કામ નથી.