ભાવ વધારાના કેન્દ્રના ડંખ પર ૪ રાજ્યોનો ટેક્સ રાહતનો મલમ
નવી દિલ્હી: દેશમાં બેફામ રીતે વધી રહેલા પેટ્રોલ ડીઝલના ભાવને કંટ્રોલમાં રાખવા માટે ટેક્સ ઓછો કરીને ગ્રાહકોને રાહત આપવી કે નહીં તેને લઈને કેન્દ્ર સરકાર હજુ પણ અવઢવમાં છે પરંતુ ચાર રાજ્યોએ તેના નિવાસીઓને રાહત આપવા માટે પોતાના ટેક્સમાં કાપ મૂક્યો છે. પોતાના ટેક્સમાં કામ મૂકીને આ રાજ્યોએ કેન્દ્ર સરકારને સંકેત આપ્યો છે કે પેટ્રોલ ડીઝલનો ભાવ વધારો આંતરાષ્ટ્રીય માર્કેટમાં ક્રૂડના વધારે ભાવને આભારી નથી પરંતુ તેના પર લાગતા ભારભરખ ટેક્સ અને એક્સાઇઝ ડ્યુટીને આભારી છે.
વિધાનસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે પ. બંગાળ રવિવારે પેટ્રોલ ડીઝલ પર પોતાના વેટમાં રુ. ૧ ઓછો કરીને ગ્રાહકોને રાહત આપનારા રાજ્યોના લિસ્ટમાં સામેલ થયું છે. મહત્વનું છે કે દેશમાં સૌથી વધુ વેટ રાજસ્થાનમાં લાગે છે. જેણે ગત ૨૯ જાન્યુઆરીએ જ પેટ્રોલ ડીઝલ પરના વેટને ૩૮થી બે ટકા જેટલો ઓછો કરીને ૩૬ કરી નાખ્યો છે. જાેકે અહીં એ નોંધવું રહ્યું કે બે ટકા ઓછો કર્યા પછી પણ રાજસ્થાન પેટ્રોલ ડીઝલ પર લાગતા વેટની ટકાવારી મામલે તમામ રાજ્યોમાં અવલ્લ જ છે.
ત્યારે ગત ૧૨ ફેબ્રુઆરીએ આસામ પણ આ લિસ્ટમાં સામેલ થયું હતું. જેણે કોરોના મહામારીને લઈને ફંડ ઉભું કરવા માટે રાજ્યમાં પેટ્રોલ ડીઝલ પર વધારાનો રુ. ૫નો ટેક્સ લાદ્યો હતો. જેને દૂર કરવામાં આવ્યો છે.
તો મેઘાલયે સૌથી મોટી રાહત આપતા રુ. ૭.૪૦ પેટ્રોલમાં અને રુ.૭.૧૦ ડીઝલમાં રાહત આપી છે. આ માટે મેઘાલય રાજ્ય સરકારે પેટ્રોલ પર વેટની ટકાવારીને ૩૧.૬૨ ટકાથી ઘટાડીને ૨૦ ટકા કરી છે તો ડીઝલ પર ૨૨.૯૫ ટકાથી ઘટાડીને ૧૨ ટકા જેટલી કરી છે. આ ઉપરાંત ૨ રુપિયાા રિબેટની પણ જાહેરાત કરી છે.
જાેકે આ બધા વચ્ચે કેન્દ્ર સરકાર પેટ્રોલ ડીઝલ પરની એક્સાઇઝ ડ્યુટી ઘટાડવા માટે હજુ પણ તૈયાર નથી. જે દેશમાં ઇંધણની રીટેલ પ્રાઇસમાં સૌથી મોટો ઘટક છે. મહત્વનું છે કે ગત વર્ષે માર્ચ-૨૦૨૦થી મે-૨૦૨૦ દરમિયાન દુનિયામાં કોરોના મહામારીના લોકડાઉનના કારણે જ્યારે ક્રુડ ઓઇલના ભાવમાં કડાકો બોલ્યો હતો
ત્યારે તેનો લાભ સીધો ગ્રાહકોને આપવાના બદલે કેન્દ્ર સરકારે પ્રતિ લિટર પેટ્રોલ પર રુ. ૧૩ અને પ્રતિ લિટર ડીઝલ પર રુ. ૧૬ વધાર્યા છે. આ સમયે ભારતની ક્રુડ ખરીદી પ્રતિ બેરલ ૧૯.૯ ડોલર હતી. જે હાલ વધીને પ્રતિ બેરલ ૬૩ ડોલર જેટલી થઈ ગઈ છે. ભારતમાં પેટ્રોલ ડીઝલના વધતા ભાવ અંગે કેન્દ્ર સરકારે દોષનો ટોપલો ક્રુડ ઓઇલના આંતરાષ્ટ્રીય ભાવ અને ભારત પોતાના પેટ્રોલ ડીઝલ માટે આયાત પર ર્નિભર હોવાનું કહીને ઢોળે છે.
પેટ્રોલ ડીઝલના ભાવ અંગે કેન્દ્રિય ઓઇલ મિનિસ્ટર ધર્મેન્દ્ર પ્રધાને ઓપેક-પ્લસ ગ્રુપ તરફ આંગળી ચિંધતા કહ્યું કે જાન્યુઆરીથી ક્રુડનું પ્રોડક્શન વધારવાનું હતું. જે ન વધતા ભાવ વધી રહ્યા છે.