ભાવ વધારો માત્ર પ્રિન્ટ માટે, ઈફ્કો જૂના ભાવે ખાતર વેચશે
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/04/urea-farmer-scaled.jpg)
પ્રતિકાત્મક
નવી દિલ્હી, દેશમાં અનેક મુદ્દાઓને લઈ ખેડૂતોનું આંદોલન ચાલુ છે. તેવામાં સહકારી સમિતિ ઈફકો દ્વારા ખાતર (નોન યુરિયા ફર્ટિલાઈઝર)ના ભાવ વધારાને લઈ સોશિયલ મીડિયામાં ભારે બબાલ થઈ રહી છે.
જાે કે, ત્યાર બાદ ઈફકોએ તે જૂના ભાવથી જ ખાતર વેચશે અને વધારવામાં આવેલો ભાવ ફક્ત બોરીઓ પર પ્રિન્ટ કરવા માટેનો છે તેવી સ્પષ્ટતા કરવી પડી હતી. ડાઈ એમોનિયા ફોસ્ફોટ (ડીએપી) તથા નાઈટ્રોજન, ફોસ્ફરસ અને પોટેશિયમ (એનપીકે) આધારીત ખાતરના ભાવ વધારા મામલે ઈફકોએ જણાવ્યું કે, સોશિયલ મીડિયામાં જે રેટ વાયરલ થઈ રહ્યા છે તે ખેડૂતો માટે લાગુ નહીં થાય.
ઈફકો પાસે ૧૧.૨૬ લાખ ટન કોમ્પ્લેક્સ ફર્ટિલાઈઝર (ડીએપી, એનપીકે) છે જે ખેડૂતોને જૂના ભાવથી જ મળશે. વાયરલ સમાચારમાં એમ જણાવવામાં આવ્યું હતું કે, ઈફકોએ ડીએપીની કિંમતમાં ૭૦૦ રૂપિયા પ્રતિ બોરી (૫૦ કિગ્રા)નો વધારો કર્યો છે. તે ઉપરાંત એનપીકેની કિંમતોમાં પણ ભારે વધારો કરવામાં આવ્યો છે. જાે કે, ઈફકોના કહેવા પ્રમાણે ખેડૂતોને ડીએપી સહિતના ખાતર નવો આદેશ ન મળે ત્યાં સુધી જૂના ભાવથી જ મળશે.