Western Times News

Gujarati News

ભિલોડાના ઇન્દ્રપુરા રોડ પર પથ્થર ભરેલ ટ્રેકટર રોકતા ટોળાએ હુમલો કર્યો

ફોરેસ્ટ કર્મચારીઓ પર ભુમાફિયાઓનો હુમલો

પ્રતિનિધિ દ્વારા ભિલોડા: અરવલ્લી જીલ્લામાં ખનીજ તંત્ર અને વનવિભાગ તંત્રના છુપા આશીર્વાદથી ખનીજ માફિયાઓ બેફામ બન્યા છે ભિલોડા ઇન્દ્રપુરા રોડ પર જંગલમાંથી ગેરકાયદેસર પથ્થર ભરી પસાર થતા ટ્રેકટરને ફોરેસ્ટ કર્મચારીઓએ અટકાવતા અને ડિટેઇન કરવાની કામગીરી હાથધરાતા ટ્રેકટર ચાલકે ફોરેસ્ટ કર્મીઓ સાથે ઝપાઝપી કરતા આજુબાજુમાંથી સ્થાનીક લોકોનું ટોળું ટ્રેકટર ચાલકના સમર્થનમાં દોડી આવ્યું હતું

અને ફોરેસ્ટ કર્મીઓ પર હુમલો કરતા એક વનકર્મીના પગના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા બંને ઈજાગ્રસ્ત કર્મીઓને તાબડતોડ સારવાર અર્થે ભિલોડા કોટેજ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા.

વનકર્મીઓ પર  હુમલાની ઘટનાના પગલે ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને વનકર્મીઓ પર હુમલો કરનાર ટોળા સામે ભિલોડા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધવા તજવીજ હાથધરી હોવાનું એસીએફ શ્રેયસ પટેલે જણાવ્યું હતું

ભિલોડા વનવિભાગમાં ફરજ બજાવતા ફોરેસ્ટર ભવદીપસિંહ રાઠોડ અને ડ્રાઈવર રાબેતા મુજબ તેમના વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા ત્યારે ઇન્દ્રપુરા રોડ પર જંગલમાંથી ગેરકાયદેસર પથ્થર ઉલેચી ટ્રેક્ટરમાં ભરી પસાર થઇ રહેલા ટ્રેકટર ચાલકને અટકાવતા હોબાળો થયો હતો.

ટ્રેકટર ચાલક ભૂ માફિયાના સમર્થનમાં લોકોનું ટોળું દોડી આવ્યું હતું અને બંને કર્મચારીઓ પર હુમલો કરી દેતા ફોરેસ્ટર કર્મીઓના પગના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતી હતી.

વનકર્મીઓ પર ટોળાએ હુમલો કરતા ભારે ચકચાર મચી હતી ઘટનાની ગંભીરતા સમજી ઉચ્ચ અધિકારીઓ તાબડતોડ બંને ઈજાગ્રસ્ત વનકર્મીઓને સારવાર માટે ખસેડી દીધા હતા અને ઘટનાસ્થળની મુલાકાત લઇ ભૂ માફિયાઓ સામે ફરિયાદ નોંધાવવા તજવીજ હાથધરી હતી

ભિલોડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં બુટલેગરો હોય કે પછી ભૂ માફિયાઓ કે વનમાંથી લાકડા ચોરાતાં વીરપ્પનો સ્થાનિક કેટલાક ભ્રષ્ટ અધિકારીઓ અને કર્મચારીઓની મીલીભગતના પગલે જાણે કાયદાનો કોઈ ડર જ ન હોય તેમ ખનન કે ચોરી કરતા અટકાવો એટલે હુમલો કરતા અચકાતા ન હોવાથી આવા અસામાજીક તત્વોનો આતંક દિવસે ને દિવસે વધી રહ્યો છે


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.