ભિલોડાના યુ.જી.વી.સી.એલ સબ સ્ટેશનમાંથી એલ્યુમિનિયમ વાયરની તસ્કરો ચોરી કરીને પલાયન
(પ્રતિનિધિ) ભિલોડા, અરવલ્લી જીલ્લા સહિત ભિલોડા તાલુકામાં દિન પ્રતિ દિન ચોરીઓનો ઉપદ્રવ વધતા પ્રજાજનોમાં ભારે ફફડાટ ફેલાયો છે.અજાણ્યા તસ્કરોની ટોળકીઓ સક્રિય રહેતા ઘરફોડ ચોરી અને બાઈક ચોરીઓનો સીલસીલો શરૂ રહેતા પોલીસ પેટ્રોલિંગ વધારવાની તાતી જરૂરિયાત છે.
ભિલોડાના યુ.જી.વી.સી.એલના ભિલોડા સબ સ્ટેશનમાંથી નીકળતી ૧૧ કે.વી. વાંકાનેર જયોતિગ્રામ ફિડરની લાઈનના એલ્યુમિનિયમ વાયરની અજાણ્યા તસ્કરો ચોરી કરીને પલાયન થઈ ગયા છે. કિં.રૂ. ૧,૦૭,૯૪૩ = ૦૦ ની માલમત્તાની ચોરી સંદર્ભે પોલીસે અજાણ્યા તસ્કરો વિરૂદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
વાંકાનેર જયોતિગ્રામ ફિડરની ભિલોડા કંપામાં વોટર વર્કસ ટ્રાન્સફોર્મરની નારસોલી પ્રાથમિક શાળા સુધીની લાઈનના ૫ ગાળાનું એક વાયર,૨ ગાળાના બે વાયર તેમજ અંદાજીત ૩૪૫૦ મીટર એલ્યુમિનિયમ વાયરની અજાણ્યા તસ્કરો ચોરી કરીને પલાયન થઈ ગયા હતા.
ચોરીના બનાવ સંદર્ભે યુ.જી.વી.સી.એલના નાયબ ઈજનેર રમેશભાઈ પુંજાભાઈ અસારીએ પોલીસ સ્ટેશનમાં અજાણ્યા તસ્કરો વિરૂદ્ધ ફરીયાદ નોંધાવતા પોલીસે તસ્કરો વિરૂદ્ધ ગુનો નોંધી તપાસના ચક્રો ગતિમાન છે.