ભિલોડાના રીંટોડા ગામમાંથી ૧ર ફુટ લાંબો અજગર પકડાયો
(પ્રતિનિધિ) ભિલોડા, અરવલ્લી જીલ્લાના ભિલોડા તાલુકાના અંતરીયાળ ડુંગરાળ વિસ્તાર પાસે આવેલ રીંટોડા ગામમાંથી ૧ર ફુટ લાંબો અજગર નવયુવાનો ધ્વારા પકડાયો હતો.ખેડુતો,પશુ પાલકો,શ્રમજીવીઓ અને પ્રજાજનોમાં ભારે ફફડાટ ફેલાયો હતો.અજગર જાવા મળ્યો હોવાની વાતો વાયુવેગે પ્રસરતા રાત્રે લોકોના ટોળેટોળા એકત્રીત થઈ ગયા હતા. વિજયભાઈ કટારાના જણાવ્યા મુજબ રીંટોડા ગામમાં રાત્રે અજગર જાવા મળતા ખાતુભાઈ મોડીયા સહિત નવયુવાન મિત્રોએ અજગરને સલામત રીતે પકડીને કંતાનના કોથળામાં ભર્યો હતો.નવયુવાનોએ અજગરને સલામત રીતે પકડીને ભિલોડા વન વિભાગના જવાબદાર અધિકારીઓને સોંપતા અજગરને નિર્જન જંગલ વિસ્તારમાં છોડી દેવાયો હતો.રીંટોડા ગામમાં પ્રજાજનોએ હાશકારો અનુભવ્યો હતો. અરવલ્લીની ગીરીમાળાઓમાં વિવિધ વિસ્તારોમાંથી દિન-પ્રતિ-દિન ઠેર-ઠેર સિમાડાઓમાંથી ચોમાસાની સિઝન દરમ્યાન ખેતરોમાંથી મહાકાય અજગરો નીકળવાનો સીલસીલો યથાવત રહેતા પ્રજાજનોમાં ભારે ફફડાટ ફેલાઈ રહ્યો છે.*