ભિલોડામાં અસહ્ય મોંઘવારી સંદર્ભે કોંગ્રેસની વિરોધ પ્રદર્શન રેલી
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/08/0608-Bhiloda-1-1024x803.jpg)
(તસ્વીર ઃ જીત ત્રિવેદી, ભિલોડા) ગુજરાત રાજ્યમાં પ્રજાજનોનો વિશ્વાસ ગુમાવી બેઠેલી કોંગ્રેસ અસહ્ય મોંઘવારી સંદર્ભે વિરોધ પ્રદર્શન કરીને પ્રજાજનોનો વિશ્વાસનો મત પ્રાપ્ત કરવા માટે બુલંદ અવાજ ઉઠાવ્યો છે.પેટ્રોલ,ડીઝલ,એલ.પી.જી., સી.એન.જી. ગેસ,કરીયાણું સહિત વિવિધ ચીજ વસ્તુઓના ભાવ આસમાને પહોંચ્યા છે.
મોંઘવારીના વિરોધમાં કોંગ્રેસના હોદ્દેદારો,કાર્યકરો ધ્વારા વિરોધ પ્રદર્શન કરાયું હતું.અસહ્ય ભાવ વધારો પરત ખેંચવા પ્રબળ માંગણી ઉદ્ભવી છે. ભિલોડા તાલુકા મથક ખાતે મોંઘવારી સંદર્ભે કોંગ્રેસ ધ્વારા વિરોધ પ્રદર્શન રેલી યોજાઈ હતી.કોંગ્રેસના કાર્યકરોની પોલીસએ અટકાયત કરી હતી.
બેનરો સાથે સુત્રોચ્ચાર કરીને કોંગ્રેસી કાર્યકરોએ પ્રચંડ વિરોધ નોંધાવ્યો હતો.મોંઘવારી કુદકે ને ભુસકે વધતાં પ્રજાજનોના હાલ બેહાલ થઈ રહ્યા છે.કોરોના કાળ દરમ્યાન ધંધા,રોજગાર,નોકરી,આર્થિક પ્રવૃત્તીઓને ગંભીર ફટકો પડ્યો છે.ગરીબ અને મધ્યમવર્ગની હાલત અત્યંત કફોડી છે.
કોંગ્રેસી કાર્યકરોએ જણાવ્યું હતું કે પ્રજાજનો મોંઘવારીમાં પીસાઈ રહ્યા છે.કોરોના મહામારી દરમ્યાન પ્રજાજનો આર્થિક રીતે હેરાનગતિ ભોગવી રહ્યા છે.*