ભિલોડામાં ગત મધ્યરાત્રે મેહુલીયો વરસ્યો
(પ્રતિનિધિ ધ્વારા) ભિલોડા, અરવલ્લી જીલ્લા સહિત ભિલોડા તાલુકામાં છેલ્લા કેટલાક દિવસોથી અસહ્ય બાફ અને ઉકળાટ ભર્યો માહોલ સર્જાયો હોવાના કારણે પ્રજાજનો મેઘરાજાની આતુરતાપુર્વક રાહ જાઈ રહ્યા હતા.આકાશમાં કાળા ડીબાંગ વાદળો ઘેરાયા બાદ વાવાઝોડું ફુકાયું હતું.
ભિલોડામાં ગત મધ્યરાત્રે વીજળીના કડાકા-ભડાકા અને મેઘ ગર્જના સાથે મેહુલીયો વરસ્યો હતો.મેઘરાજાએ પધરામણી કરતા મુરઝાતા ખેતીના વિવિધ પાકોને જીવતદાન મળતાં ખેડુતોમાં આનંદની લાગણી પ્રસરી હતી.મેઘરાજાએ લાંબા સમયનો વિરામ લીધા બાદ ગત મધ્યરાત્રે મેહુલીયો વરસ્યો પરંતુ ગાજ્યા મેઘ ધોધમાર ના વરસતાં પ્રજાજનો ચિંતાતુર છે.અણીના સમયે નહીવત વરસાદ વરસતાં મુરઝાતા ખેતીના પાક જેવા કે મગફળી, કપાસ, બાજરી, મકાઈ, તુવેર, સોયાબીન સહિત વિવિધ પાકોને જીવતદાન મળતાં ખેડુતો હરખાયા હતા.વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદ આવતાં અમુક ગ્રામ્ય વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાયો હતો.