ભિલોડા તાલુકાના તળાવો ભરવા જાગૃતિ વિકાસ મંડળ દ્વારા મામલતદારને આવેદનપત્ર અપાયું

(પ્રતિનિધિ) ભિલોડા, અરવલ્લી જીલ્લાના ભિલોડા તાલુકામાં તળાવો ભરવા માટે વર્ષ-૨૦૨૨ માં નાણાંકીય જાેગવાઈ કરવા માટે જાગૃતિ વિકાસ મંડળ,ભારત પ્રદેશ દ્વારા મામલતદાર ઝેડ.વી.પટેલ ને આવેદનપત્ર અપાયું હતું.
જાગૃતિ વિકાસ મંડળ,ભારત પ્રદેશના મહામંત્રી ચંદુભાઈ આર.ડામોર,ગુલાબભાઈ ડી.પરમાર સહિત હોદ્દેદારો અને કાર્યકરોએ લેખિત આવેદનપત્રમાં જણાવ્યું હતું કે મેધરજ,મોડાસા અને માલપુર તાલુકાના કુલ ૭૨ તળાવો ભરવા માટે રૂપિયા.૧૮૫.૯૬ કરોડ મંજુર કરવામાં આવ્યા છે.
ભિલોડા તાલુકો પછાત હોવા છતાં તેમજ તળાવો ભરવા માટે વારંવાર રજુઆતો કરવામાં આવેલ છે.ભિલોડા તાલુકાનો વિકાસ થાય અને તળાવો ભરાઈ અને ખેડૂતોને સિંચાઈની સગવડ મળે તે માટે આયોજન કરવામાં આવતું નથી,રાજ્ય સરકારને રજુઆતો કરવામાં આવી છે.ભુતકાળમાં વારંવાર આવેદનપત્ર આપવામાં આવ્યા છે પરંતુ અત્રે ઉલ્લેખનીય છે કે આજ દિન સુધીમાં પરીણામ શુન્ય છે.
ભિલોડા તાલુકામાં ત્રણ-ત્રણ મોટા-મોટા ડેમ હોવા છતાં તળાવો અને નદીઓ સુકીભઠ જાેવા મળે છે. મેશ્વો,હાથમતી અને ઈન્દ્રાસી ડેમનું પાણી પાઈપ લાઈન મારફતે તેમજ સંપ બનાવી તળાવો ભરવામાં તો ખેડૂતોને ફાયદો થાય તેમ જણાવ્યું હતું.
ટ્રાઈબલ વિસ્તારમાં મોટા ભાગે ખેતી અને પશુપાલનના વ્યવસાય સાથે સંકળાયેલા પ્રજાજનોને ફાયદો થઈ શકે તેમ જણાવ્યું હતું.આઝાદીના ૭૫ વર્ષ વિત્યા છતાં ખેડૂતો માટે પાયાનું મહત્ત્વનું કામ કરવા માટે સરકાર તૈયાર નથી,આવેદનપત્રને ધ્યાનમાં રાખીને તાત્કાલિક ધોરણે સત્વરે યોગ્ય ર્નિણય રાજ્ય સરકારે કરવો જાેઈએ તેવો સુર વ્યક્ત કર્યો હતો.*